ગૌહાતી, તા. 4 (પીટીઆઇ) : આસામ વિધાનસભા
ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએએ શાનદાર પ્રદર્શન કરતાં 126 સભ્યના ગૃહમાં 102 બેઠક પર જીત કે આગળ રહીને બહુમતીનો આંકડો પસાર કર્યો
છે. સત્તા પરિવર્તન ઇચ્છતી કોંગ્રેસનું સપનું ચકનાચૂર થયું છે. છેલ્લામાં છેલ્લી મળતી
માહિતી મુજબ ભાજપે 11 બેઠક જીતી હતી અને
71 અન્ય બેઠક પર આગળ હતી, જ્યારે તેના સહયોગી બોડોલેન્ડ પીપલ્સ
ફ્રન્ટે એક બેઠક પર જીત અને નવ પર સરસાઇ મેળવી હતી. કોંગ્રેસ 21 બેઠક પર આગળ હતી, જ્યારે ભાજપનો સહયોગી આસામ ગણ પરિષદ નવ બેઠક પર સરસાઇ ધરાવતો
હતો. પરિણામ અને વલણોમાં બહુમતી સ્પષ્ટ થતાં જ હિમંતા બિસ્વા સરમાએ વધુ એક વખત મુખ્યમંત્રી
પદ તરફ કદમ વધાર્યાં છે. રાજ્યમાં ભાજપ સમર્થકોએ ઉજવણી સાથે પરિણામો વધાવ્યાં હતાં.
પાર્ટી નેતાઓએ તેને વિકાસ અને સ્થિરતા પર જનતાની મહોર ગણાવ્યો હતો. ભાજપનો વોટશેર 2016ના 33.6 ટકાથી
વધીને 2026માં 38.59 ટકા
થયો છે. મુખ્યમંત્રી સરમાએ જલુકબાડી બેઠક પરથી 1.12 લાખથી વધુ મત મેળવી 80 હજારથી વધુ મતઅંતરથી જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસના મોટા નેતા ગૌરવ
ગોગોઇને જોરહાટ બેઠક પર ભાજપના હિતેન્દ્રનાથ ગોસ્વામીના હાથે 23,182 મતથી હાર સહન કરવી પડતાં ઊલટફેર સર્જાયો હતો. રાજ્યના
મંત્રી પિજુશ હજારિકાએ નજીકના હરીફ કોંગ્રેસના બુબુલ દાસને 93,584 મતથી હરાવ્યા હતા. તેમણે સતત ત્રીજી વખત જગીરોડથી જીત
મેળવી છે અને ચોથી વખત ધારાસભ્ય બન્યા છે. કેબિનેટ મંત્રી અને બીપીએફ નેતા ચરણ બોરોએ
જેએમએમ પ્રતિદ્વંદ્વી સામે 55,000થી વધુ મતઅંતરથી જીત
મેળવી હતી.