નવી દિલ્હી, તા. 4 : લોકસભામાં
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે થયેલી ચર્ચાનો બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર
મોદી જવાબ આપવાના હતા, તે વેળાએ જ
વિપક્ષોએ હોબાળો મચાવતાં સદનની કાર્યવાહી રદ કરાઈ હતી. હવે આ મામલે ભાજપે વિપક્ષ પર
વડાપ્રધાન પર હુમલો કરવાની કોશિશ કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. એક મીડિયા હેવાલ
મુજબ, વિપક્ષની મહિલા સાંસદોએ વડાપ્રધાનની ખુરશી ઘેરી લેતાં મોદીનું
ભાષણ ટળ્યું હતું. સંસદની કાર્યવાહી સ્થગિત થયા બાદ ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું
હતું કે, વડાપ્રધાન જ્યાં બેસે છે, વિપક્ષના
લોકો ત્યાં સુધી પહોંચી ગયા હતા. વિપક્ષના મહિલા સભ્યોએ પીએમની ખુરશીને ઘેરાવ કર્યો
હતો. ખરેખર તેમની ઈચ્છા તો વડાપ્રધાન પર હુમલાની હતી તેવો ગંભીર આરોપ સાંસદે લગાવ્યો
હતો. મનોજ તિવારીએ દાવો કર્યો હતો કે, વિપક્ષના મહિલા સાંસદોને અમારા વરિષ્ઠ મંત્રીએ સમજાવ્યા અને પાછા જવા વિનંતી
કરતાં કહ્યું હતું કે, આવી સ્થિતિમાં વડાપ્રધાન આવી ન શકે,
પણ વિપક્ષના સભ્યો સાંભળવા તૈયાર જ નહોતા. એનડીએના ઘટક ચિરાગ પાસવાનના
જનશક્તિ પાર્ટીના સાંસદ રાજેશ વર્માએ કહ્યું હતું કે, વિપક્ષના
કેટલાક સાંસદો હાથમાં બેનર અને પોસ્ટર લઈને એવી રીતે દોડતા હતા, જાણે તેઓ રસ્તા પર હોય અને મહિલા સાંસદો ટ્રેઝરી બેંચ તરફ આગળ વધ્યા હતા. બીજી
તરફ કોંગ્રેસના મહિલા સાંસદ વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે, અમે
જોતિમણિ, ગેનીબેન ઠાકુર સહિત નિશિકાંત દુબેને પૂછી રહ્યા હતા
કે, તેમણે મહિલાઓ વિશે શું કહ્યું, ત્યાં
તેઓ ત્યાંથી નીકળી ગયા. હોબાળાના કારણે પીઠાસીન સંધ્યા રાયએ સદનની કાર્યવાહી રદ કરવાની
ઘોષણા કરી હતી.