નવી દિલ્હી, તા. 4 : દેશની સંસદ
બુધવારે રાજકીય પક્ષો વચ્ચે `પુસ્તક યુદ્ધ'ની સાક્ષી બની હતી. લોકસભામાં વિપક્ષના નેતા
રાહુલ ગાંધી આજે પૂર્વ સેના વડા જનરલ એમ.એમ. નરવણેનું પુસ્તક લાવ્યા હતા અને કહ્યું
હતું કે, મોદી સરકારના મંત્રી ભલે કહી રહ્યા છે કે, પ્રગટ જ નથી થયું પરંતુ આ રહ્યું એ પુસ્તક બીજી તરફ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ
પલટવારરૂપે કેટલાંક પુસ્તકો લોકસભામાં લહેરાવીને ગાંધી-નેહરુ પરિવાર પર પ્રહાર કર્યા
હતા. ભારે હંગામા વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગીત કરવી પડી હતી. બે દિવસથી નરવણેના પુસ્તક
મુદ્દે સંસદમાં હંગામાએ હદ વટાવી હોય તેમ આજે એ પુસ્તક બતાવીને કોંગ્રેસ સાંસદ રાહુલ
ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવશે,
તો તેમને આ પુસ્તક બતાવીશ. રાહુલે પુસ્તકનું એ પાનું ખોલીને બતાવ્યું
હતું, જેમાં લખ્યું હતું કે, વડાપ્રધાન
મોદીએ તે વખતના સેના વડાને તમને ઠીક લાગે તે કરો તેવું કહ્યું હતું. મને નથી લાગતું
કે, વડાપ્રધાન આજે સંસદમાં
આવવાની હિંમત કરશે. જો આવશે તો હું ખુદ જ તેમના હાથમાં પુસ્તક સોંપીશ જેથી વડાપ્રધાન
વાંચી શકે અને દેશને પણ તેના વિશે ખબર પડી શકે, તેવું કોંગ્રેસ
નેતા બોલ્યા હતા. દરમ્યાન સંસદના મકરદ્વાર પાસે કોંગ્રેસના સાંસદો વિરોધ પ્રદર્શન કરી
રહ્યા હતા તે વખતે ત્યાંથી પસાર થઈ રહેલા કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુને જોઈને
રાહુલે કહ્યું હતું કે, જુઓ એક `ગદ્દાર'
આવી રહ્યા છે. જુઓ તેનો ચહેરો. રાહુલે હાથ મિલાવવા માટે લંબાવીને કહ્યું
હતું કે, મારા `દગાબાજ' દોસ્ત
ચિંતા કરો નહીં, આપ પાછા કોંગ્રેસમાં આવી જાવ. હાથ નહીં મીલાવતાં
પલટવાર કરનાર કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ હસીને જવાબ આપ્યો હતો કે, દેશના દુશ્મન સાથે મારો કોઈ સંબંધ નથી. આમ, પોતાને દગાબાજ
દોસ્ત કહેનાર રાહુલને બિટ્ટુએ દેશના દુશ્મન કહી દીધા હતા. બીજી તરફ લોકસભામાં ભાષણ દરમ્યાન કેટલાંક પુસ્તકો
લહેરાવી, ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
હતું. દુબેએ આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, હું એ પુસ્તક
વિશે કહેવા માગું છું જે નેહરુ અને કોંગ્રેસ પરિવારની ગદ્દારી, કપટ, ભ્રષ્ટાચારથી ભરેલા છે અને આ બધા પુસ્તકો પ્રગટ
થઈ ચૂકેલા, છપાયેલા પુસ્તકો છે. વિપક્ષી સાંસદોએ દુબે વિરુદ્ધ
લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ભડકી જતાં
સવાલ ઉઠાવ્યો હતો કે, પુસ્તક પર રાહુલને બોલવા નથી દેવાતા તો
દુબેને શા માટે છૂટ અપાઈ! આ મામલો આટલેથી અટક્યો નહોતો અને સ્પીકરના કક્ષમાં પણ શાસક
અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સોનિયા અને ઈન્દિરા
ગાંધી સંબંધિત 3-4 પુસ્તકનો
ઉલ્લેખ કર્યો હતો. આ પુસ્તકોમાં જવાહરલાલ નેહરુથી લઈને ઈન્દિરા અને સોનિયા ગાંધી વિશે
આપત્તિજનક વાતો લખાયેલી છે. દુબેએ કહ્યું હતું કે,
આજકાલ એવા પુસ્તકોનો ઉલ્લેખ થઈ રહ્યો છે જે પ્રકાશિત પણ થયા નથી,
પણ હું એવા પુસ્તકો વિશે જણાવવા માગું છું, જેમાં
નેહરુ પરિવારની ગદ્દારી, મક્કારી, ભ્રષ્ટાચાર
અને ઐયાશીથી ભર્યા છે. દુબેએ એડવિના એન્ડ નેહરુ ઉપરાંત અન્ય પુસ્તકોનો ઉલ્લેખ પણ કર્યો
હતો. આ દરમિયાન સ્પીકરે વારંવાર દુબેને ટોક્યા હતા પણ તે પોતાનું નિવેદન અટકાવ્યા વિના
બોલતા રહ્યા હતા. સામે છેડે વિપક્ષ પણ હોબાળો મચાવતો રહ્યો હતો. આખરે આ સ્થિતિમાં લોકસભાની
કાર્યવાહી મોકૂફ રાખી દેવી પડી હતી.