મુંબઈ, તા. 3 : મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બનતાં ટળી ગઈ હતી, જેમાં બે વિમાનની પાંખો અથડાઈ ગઈ હતી. એર ઈન્ડિયાનું
એક વિમાન રન-વે પરથી ટેકઓફ પહેલાં પુશબેકની પ્રક્રિયામાં હતું, જ્યારે લેન્ડિંગ પછી ટેક્સી કરતી ઈન્ડિગોની એક ફ્લાઈટ તેની એકદમ નજીક આવી જતાં
પાંખો અથડાઈ ગઈ. આ ઘટના બાદ, સલામતીના કારણોસર બંને વિમાનને ગ્રાઉન્ડેડ
કરવામાં આવ્યાં છે. કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. આ મામલાની તપાસ ચાલી રહી છે. અકસ્માતને કારણે એરપોર્ટની કામગીરી પર અસ્થાયી
અસર પડી હતી. અહેવાલો અનુસાર, એર ઈન્ડિયાની
ફ્લાઈટ મુંબઈથી કોઈમ્બતૂર જવા માટે ટેકઓફ માટે પુશબેકની પ્રક્રિયામાં હતી. તે જ સમયે,
એક ઈન્ડિગો અ-320 લેન્ડિંગ પછી ટેક્સી-વે સાથે જોડાઈ રહી હતી. એ દરમ્યાન બંને
વિમાનની જમણી પાંખો અથડાઈ ગઈ. ઘટના બની, ત્યારે બંને વિમાનમાં પ્રવાસીઓ હતા જો કે, કોઈને ઈજા
પહોંચી નથી. ઘટનાની જાણ થતાં ડીજીસીએનાં મુંબઈ કાર્યાલયના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
હતા.