મોસ્કો, તા. 3 : મહિનાઓ સુધી વાટાઘાટો બાદ ભારત
અને અમેરિકા વચ્ચે લાંબી વાટાઘાટો બાદ ટ્રેડ ડીલ નક્કી થઇ છે. સમજૂતીની જાહેરાત સમયે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકાને ખાતરી આપી છે કે તે હવે રશિયા
પાસેથી ઓઇલ નહીં ખરીદે. આ મામલે હવે રશિયાના રાષ્ટ્રપતિનાં કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા
દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, ભારતે હજુ સુધી અમને એવી કોઈ
સત્તાવાર જાણકારી નથી કે હવે તેઓ રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. ગઇકાલે ભારતના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી.
જે બાદ બંને નેતાએ સોશિયલ મીડિયા પર ટ્રેડ ડીલ અંગે જાહેરાત કરી. જો કે, આ જાહેરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે બે એવી જાહેરાત કરી છે જેને લઈને ચિંતા વધી હતી.
આ મામલે ભારત સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી. અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડીને
18 ટકા કર્યો છે. અમેરિકાના પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, ભારત
હવે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. જેથી યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ મળશે. આ
સિવાય તેમણે બીજો એક દાવો એવો પણ કર્યો કે, ભારતમાં અમેરિકાની
પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાશે. એનર્જી, ટેકનિક,
કૃષિ સહિતનાં સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતની બજારમાં દરવાજા
ખોલવામાં આવશે. ટ્રમ્પનો દાવો છે કે, અમેરિકાની 500 અબજ ડોલરની વસ્તુઓ ભારતમાં
વેચાશે. ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પની સાથે વડાપ્રધાન
મોદીએ પણ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જો કે, તેમણે તેમનાં નિવેદનમાં ક્યાંય ભારત રશિયાથી તેલ નહીં ખરીદે તેવી કોઈ પુષ્ટિ
કરી નથી.