• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

રવિવારે રડેલા રોકાણકારો મંગળવારે મલકાયા

નવી દિલ્હી, તા. 3 : કેન્દ્રીય બજેટ રજૂ થયું એ રવિવારના હાહાકાર પછી આજે સોનું-ચાંદી, રૂપિયો અને શેરબજારમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીનો ચમત્કાર સર્જાયો હતો, જેમાં શેરબજારે અભૂતપૂર્વ તેજી સાથે છલાંગ મારી છે, જેમાં નિફ્ટીએ 1220 અંક અને સેન્સેક્સ 3657 પોઈન્ટના અભૂતપૂર્વ ઉછાળા સાથે ખુલ્યા હતા. દિવસના અંતે નિફ્ટી 639 અને સેન્સેક્સ 2072 પોઈન્ટના વધારા સાથે અનુક્રમે 25727 અને 83739ની સપાટીએ બંધ આવ્યા હતા. રોકાણકારોની મૂડીમાં રૂા. 12.10 લાખ કરોડનો વધારો થયો હતો. ભયાનક કડાકાના સાક્ષી બનેલાં સોના અને ચાંદી પણ આજે ફરીથી ગેલમાં આવી ગયાં હતાં અને આ લખાય છે, ત્યારે વાયદા બજારમાં સોનાનો ભાવ 8100ની તેજી સાથે 152000ના સ્તરે, જ્યારે ચાંદી 31500ની તેજી સાથે 167750ના સ્તરની આસપાસ કારોબાર કરી રહી છે. અમેરિકા સાથે ટ્રેડ ડીલનાં પગલે રૂપિયામાં આજે જોરદાર મજબૂતી જોવા મળી હતી અને ડોલર સામે તેનું અવમૂલ્યન એક ઝાટકે અટક્યું હતું. છેલ્લાં 12 વર્ષમાં ફક્ત 10 વખત જ જોવા મળી છે તેવી એક ટકાથી વધુની તેજી આજે જોવા મળી હતી. શેરબજારે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને ઐતિહાસિક આવકાર આપતાં આજે બતાવેલી મારફાડ તેજીમાં છેલ્લા ઘણા સમયથી સતત ધોવાઈ રહેલા રોકાણકારોની બજાર મૂડીમાં 20 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. સોમવારે બજાર બંધ થયું, ત્યારે કુલ બજાર મૂડી 455 લાખ કરોડ રૂપિયા હતા અને આજે શરૂઆતી કારોબારમાં તે સીધી 474 લાખ કરોડનાં સ્તરે પહોંચી ગઈ હતી. આજની તેજીની આંધીમાં ચોતરફ લાવલાવનાં કારણે 268 શેરમાં અપર સર્કિટ લાગી ગઈ હતી, જ્યારે 121 સ્ટોક એક વર્ષની ઉંચી સપાટીએ આંબી ગયા હતા. શેરબજારમાં આજે તેજીનાં તોફાનમાં અમેરિકાની ટ્રેડ ડીલ ઉપરાંત એશિયાઈ પ્રતિસ્પર્ધીઓ સામે ટેરિફમાં ભારતને મળેલી સરસાઈ, રૂપિયામાં પણ ઐતિહાસિક તેજી અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલી નરમાશ સહિતનાં પરિબળોએ રોકાણકારોના ઉત્સાહને બમણો કરી નાખ્યો હતો. 

Panchang

dd