• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

સંસદનાં શિયાળુ સત્રનાં આરંભે જ પારો તપ્યો

નવી દિલ્હી, તા. 1 : સંસદનાં શિયાળુ સત્રની અંદાજ મુજબ જ ભારે હંગામા વચ્ચે શરૂઆત થઈ હતી. પહેલા દિવસે જ શિયાળાનાં ટાઢોડામાં રાજકીય તાપમાન ઉંચે પહોંચી ગયું છે. લોકસભામાં મતદાર યાદીનાં વિશેષ ગહન પુન:નિરીક્ષણ(સર) મુદ્દે હોબાળો મચ્યો હતો અને કાર્યવાહીમાં વારંવાર અવરોધો પેદા થયા હતાં. જેમાં લોકસભા સ્થગિત પણ કરી દેવી પડી હતી. આ હંગામા વચ્ચે લોકસભામાં ત્રણ વિધેયક પણ રજૂ કરાયા હતાં અને તેમાંથી એક પસાર થઈ ગયું હતું. બીજીબાજુ રાજ્યસભામાં સભાપતિ સીપી રાધાકૃષ્ણને આસન સંભાળી લીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખડગે અને સદનનાં નેતા જેપી નડ્ડા સાથે તમામ પક્ષનાં નેતાઓએ સ્વાગત કરીને શુભકામના પાઠવી હતી. નવા સભાપતિનું સ્વાગત કરતાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે, તમે શાસક પક્ષનાં સદસ્યો તરફ વધુ ધ્યાન ન આપતાં. ત્યાં ખતરો છે. જો તમે વિપક્ષ તરફ નહીં જુઓ તો ખતરો ઓર વધુ છે. માટે તમે સંતુલન જાળવી રાખશો એવી આશા છે. ખડગેએ આ તકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની વિદાયનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને સરકાર તરફ નિશાન તાંકવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષીદળોએ મતદાર યાદી સુધારણા અને ચૂંટણી સુધારાની વ્યાપક ચર્ચાની માગણી કરીને હંગામો કર્યો હતો. જેની સામે મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કે, તમારી માગણી સરકારનાં ધ્યાને છે અને તેનાં માટે થોડો સમય આપો. ત્યારબાદ વિપક્ષનાં સદસ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતાં. વિપક્ષ વગર જ શૂન્યકાળ અને વિશેષ નોંધની કાર્યવાહી ચાલી હતી. લોકસભાની વાત કરવામાં આવે તો વિપક્ષે ભારે દેકારો મચાવ્યો હતો. આ હોબાળા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે ત્રણ વિધેયક રજૂ કર્યા હતાં. જેમાં મણિપુર જીએસટી, કેન્દ્રીય આબકાર(સુધારા) અને સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયકનો સમાવેશ થાય છે. આમાંથી મણિપુર જીએસટી સુધારા વિધેયક હંગામો અને નારાબાજી વચ્ચે ચર્ચા વગર જ પસાર પણ થયો હતો. લોકસભાએ વિપક્ષનાં શોરબકોર વચ્ચે બે વિધેયક માટે બનેલી પસંદગી સમિતિને પોતાનો અહેવાલ સોંપવા માટે વધારાનો સમય પણ આપી દીધો હતો. ઈન્સોલ્વંસી એન્ડ બેંકરપ્સી કોડ(સુધારા) બિલ ઉપર સિલેક્ટ કમિટીને સદને ચાલુ સત્રનાં અંતિમ દિવસ સુધીનો સમય આપ્યો હતો. જ્યારે જનવિશ્વાસ બિલ માટે બનેલી સિલેક્ટ કમિટીને સત્રનાં બીજા અઠવાડિયાનાં અંતિમ દિવસ એટલે કે 12 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. નવા સભાપતિના સ્વાગત બાદ વિપક્ષોએ રાજ્યસભામાં એસઆઇઆરની ચર્ચાની જોરદાર માગ ઉઠાવી હતી. સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે સરકાર એસઆઇઆર અને ચૂંટણી સુધારાઓ ઉપર ચર્ચા માટે તૈયાર છે અને વિપક્ષની માગણી ઉપર સરકાર વિચાર કરી રહી છે. પરંતુ વિપક્ષ આ ચર્ચા માટે કોઇ સમયસીમા સરકાર ઉપર પરાણે ન ઠોકી બેસાડે. વિપક્ષોએ રવિવારે સર્વપક્ષીય બેઠકમાં જે મુદા ઉઠાવ્યા એ તમામની ચર્ચા માટે સરકાર વિચારી રહી છે. પરંતુ વિપક્ષ જો આજે જ અને પોતાના સમયે ચર્ચાની માગણી કરે તો સરકાર માટે કામ થોડું કઠીન થઇ જાય. થોડો સમય આપો, ચર્ચા થશે. જો કે વિપક્ષોએ ચર્ચાની પોતાની માગણી ચાલું રાખતા અને આખરે સદનમાંથી બહાર નીકળી જતાં  રાજ્યસભાની દિવસભરની કાર્યવાહી સ્થગિત કરાઇ હતી. હવે મંગળવારે સવારે અગિયાર વાગ્યે ફરીથી સદન શરૂ થશે. લોકસભામાં પણ વિપક્ષે સતત એસઆઇઆરની ચર્ચાની માગણી જોરશોરથી ઉઠાવી હતી. સદનની કાર્યવાહી વારેવારે વિક્ષેપિત થઇ હતી છતાં નાણા પ્રધાન નિર્મલા સિતારામને બે પ્રસ્તાવ લોકસભામાં રાખ્યા હતા. લોકસભામાં નાણા પ્રધાન સિતારામને મુકેલા મણિપુર જીએસટી (બીજો સુધારો) બિલ પસાર થયું હતું. સિતારામને સરકાર તરફથી ચાલુ નાણાકીય વર્ષમાં અતિરિક્ત ખર્ચ માટે 41,455 કરોડ રૂપિયા મંજૂર કરવાનો પ્રસ્તાવ લોકસભામાં રાખ્યો હતો. નાણા પ્રધાને પાન મસાલા અને તમાકુ ઉપર વધારાના કર (સેસ) સંબંધી બે બિલ લોકસભામાં રાખ્યા હતા. કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક (સંશોધન) વિધેયક, 2025 નામના આ બિલમાં હાલમાં લાગતો ક્ષતિપૂર્તિ સેસ હટાવીને એક્સાઇઝ ડયુટીના માધ્યમથી ટેક્સ સંગ્રહ કરવાની જોગવાઇ છે. આ બિલથી હાલમાં પાનમસાલા જેવા શરીરને હાનિકારક પદાર્થો ઉપર 28 ટકા જીએસટી વસૂલાય છે એ વધીને 40 ટકા ઉત્પાદન શુલ્ક વસૂલાશે.

Panchang

dd