ચેન્નાઈ, તા. 30 : શ્રીલંકામાં 200થી વધુ લોકોના જીવ લીધા બાદ
આગળ વધીને ભારતમાં પહોંચેલાં ખતરનાક ચક્રવાતી તોફાન દિતવાહની અસર હેઠળ તોફાની વરસાદથી
તામિલનાડુમાં ત્રણ લોકોનાં મોત થઈ ગયાં હતાં. વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદના કારણે
પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો એનડીઆરએફ
અને એસડીઆરએફની ટીમોને હાઈએલર્ટ પર રખાઈ છે. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ તરફથી અનેક
વિસ્તારોમાં એલર્ટ જારી કરી દેવાયો હતો. `દિતવાહ'થી તામિલનાડુમાં
149 જાનવરનાં મોત થઈ ગયાં હતાં.
તોફાની વરસાદનાં રૂપમાં કુદરતની કારમી થપાટ ખમી નહીં શકેલાં 234 કાચાં ઘર કડડડભૂસ થઈ ને તૂટી પડયા હતાં. કુલ 57 હજાર હેક્ટર ભૂભાગ પર ખેતી
ખુવાર થઈ ગઈ હતી. મયિલા દુથુરાઈમાં વીજ આંચકાથી 20 વર્ષીય યુવાને જીવ ખોયો હતો. સોમવારે આ વાવાઝોડું નબળું પડવાની
સંભાવના છે અને ઉત્તર તરફ ફંટાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. પુડુચેરીમાં તોફાની સમુદ્ર
અને ભારે પવન ફુંકાઈ રહ્યા છે. સાવચેતીરૂપે લાઈફગાડર્સે સ્થાનિકો અને પ્રવાસીઓને બીચ
પરથી બહાર કાઢ્યા હતા. ઉત્તર તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાતની અસરના પગલે એલર્ટ
જારી કરાયું છે, તો દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ
જાહેર કરાયું છે. બીજી તરફ રામનાથપુરમ, પુડુક્કોટાઈ, તંજાવુર, તિરુવરુર, નાગપટ્ટીનમ
અને કરાઈકલ સહિત ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ છે,
તો માનંગકોંડન નદીમાં પૂર આવતાં કરુપ્પાપુલમ ગામનો રસ્તો અવરોધાયો હતો.
આ ગામમાં 100 એકરથી વધુ
ડાંગરના ખેતરો સંપૂર્ણપણે ડૂબી જતાં નોંધપાત્ર નુકસાન થયું છે. ગુજરાતના વડોદરા ઉપરાંત
પૂણેથી એનડીઆરએફની 10 ટીમ ચેન્નાઈ
રવાના કરી દેવાઈ હતી.એનડીઆરએફ, એસડીઆરએફ
સહિત 28થી વધુ આપત્તિ વ્યવસ્થાપનની ટીમને તૈનાત
કરી દેવાઈ છે. તોફાની ચક્રવાતની આગોતરી અસરરૂપે તામિલનાડુમાં 54 ઉડાન રદ કરી દેવાઈ હતી. યુનિવર્સિટીમાં
પણ રજા જાહેર કરી દેવાઈ હતી. હવામાન વિભાગે રવિવારે જારી કરેલા બુલેટિનમાં ચક્રવાત
લગભગ ઉત્તર તરફ પ્રતિ કલાક પાંચ કિમીની ઝડપે આગળ ધપી રહ્યું છે. આગામી 24 કલાકમાં તે ઉત્તર તરફ આગળ વધે
તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ હતી.