નવી દિલ્હી, તા. 14 : બિહારની ચૂંટણીમાં
કારમી હાર બાદ તરત પરિણામની પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસે શુક્રવારે આજે આવેલાં પરિણામના
આંકડાઓ માટે દેશના ચૂંટણીપંચ અને `સર'ને જવાબદાર
લેખાવ્યા હતા. કોંગ્રેસ નેતા પવન ખેડાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર નિશાન
સાધતાં કહ્યું હતું કે, આ ચૂંટણી જ્ઞાનેશકુમાર અને બિહારની જનતા
વચ્ચે સીધી લડાઈ બની ગઈ હતી. હું બિહારની જનતાને ઓછી નથી માનતો. બિહારના મતદારોએ એસઆરઆઈ
અને મતચોરી વચ્ચેય મુકાબલો કર્યો, તેવા કટાક્ષભર્યા પ્રહાર ખેડાએ
કર્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, એક પુસ્તક છે પ્રેમથી
સેવા કરવી. જ્ઞાનેશકુમાર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આ પુસ્તક લખી રહ્યા છે.
અન્ય કોંગ્રેસ નેતા ઉદિત રાજે પણ આજે મળેલા પરાજય પર પ્રતિક્રિયા આપતાં ચૂંટણીપંચ અને
`સર' પર હારનું ઠીકરું ફોડયું હતું. આ ભાજપ અને એનડીએની નહીં, પરંતુ એસઆઈઆરની જીત છે. આ એકતરફી પ્રતીત થાય છે તેવું રાજે કહ્યું હતું. દરમ્યાન
આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે પણ ચૂંટણી પ્રક્રિયાનું અપહરણ થયું હોવાનો દાવો કરવા
સાથે એસઆઈઆર પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા.