નવી દિલ્હી, તા. 14 : લાલ કિલ્લા
પાસે ધડાકાના મામલામાં ખતરનાક કાર્યવાહી કરતાં સુરક્ષાદળોએ લોહિયાળ હુમલાના સૂત્રધાર
આતંકવાદી ડો. ઉમર ઉન નબીનું પુલવામા સ્થિત ઘર વિસ્ફોટકોથી ધડાકો કરીને આખું જમીનદોસ્ત
કરી નાખ્યું હતું. ડો. નબી પુલવામાના કોઈલ વિસ્તારમાં રહેતો હતો. પોલીસે તેના માતા-પિતા
અને ભાઈઓને પકડી લઈને પૂછપરછ આદરી હતી. ઉમર નબી ફરીદાબાદના વ્હાઈટ કોલર આતંકી મોડયુલનો
સભ્ય હતો. નબીના પરિવારે કહ્યું હતું કે, તે કટ્ટરપંથી જેવો વ્યવહાર કરતો હતો. ઘણા દિવસો સુધી ઘરથી દૂર રહેતો હતો અને
પોતાનો ફોન બંધ રાખતો હતો. પોલીસની નજરથી બચીને તે ફરીદાબાદથી ફરાર થઈ ગયો હતો. દરમ્યાન,
અલ ફલાહ યુનિવર્સિટીમાંથી બે તબીબ, બે સ્ટાફ સહિત
વધુ પાંચ જણની દિલ્હી ધડાકા મામલે ધરપકડ કરાઈ હતી. બીજી તરફ, દિલ્હી ધડાકા માટે હરિયાણાના નૂંહ સ્થિત મેવાત જિલ્લાના પિનગવાં ક્ષેત્રમાંથી
આતંકીઓએ એમોનિયમ નાઈટ્રેટની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હીની એજન્સીએ
ખાતરના વેપારી દિનેશ સિંગલા ઉર્ફે ડબ્બુની ધરપકડ કરી હતી. ડબ્બુએ જ ડો. મુજમ્મિલ શકીલને
એમોનિયમ નાઈટ્રેટ અપાવ્યું હતું, તેવો આરોપ છે.