• શનિવાર, 15 નવેમ્બર, 2025

મોદી-નીતીશની આંધી : યુતિનો મહાસફાયો

નવી દિલ્હી/પટણા, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા અને મુખ્યમંત્રી નીતીશ કુમારના સુશાસનના પ્રતાપે બહુચર્ચિત બિહારમાં એનડીએની રીતસરની આંધી સર્જાઈ હતી જેમાં તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીનું મહાગઠબંધન ઊડી ગયું હતું. બિહારના સંવેદનશીલ વિધાનસભા ચૂંટણી જંગમાં ભાજપ અને જેડી-યુ ઉપરાંત એલજેપીના એનડીએ ગઠબંધને બેઠકોની બેવડી સદી ફટકારી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને સત્તા જાળવી હતી તો રાજદ - કોંગ્રેસ સહિતના પક્ષોની મહાયુતિ માત્ર 35 બેઠકમાં સમેટાઈ ગઈ હતી. બિહારમાં એનડીએને વિવિધ એકિઝટ પોલના વર્તારા કરતાં પણ વધુ બેઠકો મળી હતી. ભાજપને 90, જેડી-યુને 85, તો ચિરાગ પાસવાનના પક્ષને 19 બેઠક મળી હતી, તો રાજદને 24, કોંગ્રેસ છ બેઠક પર જીતી હતી. ભાજપ લગભગ 95 ટકાની સ્ટ્રાઈક રેટ સાથે સનસનીખેજ પ્રદર્શન સાથે સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો છે. ભાજપની સ્થિતિ બિહારમાં એટલી મજબૂત બની ગઈ છે કે, તે નીતિશનાં જેડીયુનાં ટેકા વગર પણ સરકાર રચવાની સ્થિતિમાં છે. જો કે, ભાજપ-જેડીયુનાં મજબૂત ગઠબંધનને ધ્યાને રાખતા નીતિશ કુમારનો પાંચમો કાર્યકાળ સુનિશ્ચિત દેખાય છે.  બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટે 2616 ઉમેદવારોનાં ભાવિનો આજે ફેંસલો થયો હતો અને તેમાં રાજદ અને કોંગ્રેસ નાલેશીજનક પરાજય સાથે હાથ મસળતા રહી ગયા હતાં. જ્યારે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ ખાતુ ખોલાવી શકી નથી. એનડીએનાં ચોંકાવનારા વાવાઝોડામાં ભાજપ 93, જેડીયુ 83, ચિરાગ પાસવાનનો એલજેપી(આરવી) 19 અને જીતનરામ માંઝીનાં એચએએમ પક્ષને પાંચ બેઠકો મળી છે. આમ, કુલ મળીને એનડીએ 20પ બેઠકો ઉપર આગળ છે. બિહારમાં સત્તાનાં જાદુઈ આંકડા 122 કરતાં એનડીએનાં ખાતામાં 83 બેઠકો વધુ આવી રહી છે. આ ચૂંટણી પરિણામોને 2020ની ચૂંટણી સાથે સરખાવવામાં આવે તો ભાજપને 20, જેડીયુને 40, એલજેપી-આરવીને 20, એચએએમને 1 અને આરએલએમને 4 બેઠકો વધી છે.  બીજીબાજુ મહાગઠબંધન ઉંધા માથે પછડાટ ખાઈને માત્ર 31 બેઠકોમાં સમેટાઈ ગયું છે. જેમાં 51 બેઠકોનાં તોતિંગ નુકસાન સાથે રાજદને માત્ર 24 બેઠકો મળી છે તો કોંગ્રેસ 15 બેઠકોનું નુકસાન ખાઈને દ્વિઅંકી બેઠકો પણ જીતી શક્યો નથી. તેનાં ખાતામાં માત્ર 4, સીપીઆઈ-એમએલએલને 10 બેઠકોનાં નુકસાન સાથે 2, સીપીઆઈ-એમને 1 અને  સીપીઆઈને કોઈ બેઠક મળી નથી. અન્યની વાત કરવામાં આવે તો અસદુદ્દીન ઓવૈસીનાં એઆઈએમઆઈએમને 5, બસપાને 1, જનસુરાજ પાર્ટી, આપ કે અપક્ષનાં ખાતા પણ ખૂલ્યા નથી. એનડીએ કુલ 242 બેઠકો ઉપર ચૂંટણી લડયો હતો અને તેમાંથી 84.77 ટકા, ભાજપ 101 બેઠકો ઉપર ચૂંટણી લડીને 93.07 ટકા, જેડીયુ પણ 101 બેઠકો ઉપર ચૂંટણી લડીને 82.18, એલજેપીઆરવી 28 બેઠકો લડીને 71.43 ટકા સફળતા હાંસલ કરી શક્યા છે. સામે છેડે મહાગઠબંધન 252 લડેલી બેઠકોમાંથી ફક્ત 12.76 ટકા બેઠકો ઉપર જીત મેળવી શક્યું છે. જેમાં રાજદ 143 બેઠકો ઉપર લડયો હતો અને તેની જીતની ટકાવારી 16.78, કોંગ્રેસ 61 બેઠકોમાંથી માત્ર 6.56 ટકા બેઠક જીતી શક્યો છે.  

Panchang

dd