અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદમાં આયોજિત વ્યાખ્યાનમાળાના
ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષથી નિરંતર રાષ્ટ્રહિત સર્વોપરી
એટલે કે `રાષ્ટ્ર પ્રથમ'ના ભાવ સાથે પોતાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યો
છે. સો વર્ષે પણ આ સંસ્થાના વિચારો બદલાયા નથી, પરંતુ વધારે ગહન
અને વ્યાપક બન્યા છે.સંઘે હંમેશાં વ્યક્તિ નિર્માણ પર ભાર મૂકીને રાષ્ટ્રસેવાને સમર્પિત
યુવાનો તૈયાર કર્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડૉ. હેડગેવારનું સ્મરણ કરીને જણાવ્યું
હતું કે ડૉક્ટર હેડગેવારજી જાણતા હતા કે દરેક નાગરિકના મનમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગશે
ત્યારે જ ભારત એક સશક્ત રાષ્ટ્ર બની શકશે. ડોક્ટર સાહેબ સામાન્ય લોકોને રાષ્ટ્રીયતાનું
વિઝન આપીને રાષ્ટ્રને સમર્પિત યુવાનો તૈયાર કરતા હતા. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રાને દર્શાવતું
પ્રદર્શન યોજવામાં આવ્યું છે, તેમજ
મલ્ટીમીડિયા શૉ પણ તૈયાર કરાયો છે, જેનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રીના
હસ્તે કરવામાં આવ્યું હતું.વ્યાખ્યાનમાળાના પહેલાં દિવસે સંઘના સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણ
ગોપાલે `યુગદૃષ્ટા ડૉ. હેડગેવાર: બીજથી વટવૃક્ષની
યાત્રા' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં એક શ્રોતા તરીકે મુખ્યમંત્રી સહભાગી થયા હતા.