• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

બિહારમાં એનડીએનાં પુનરાવર્તનની આગાહી

નવી દિલ્હી, તા. 11 : બિહાર વિધાનસભાની ચૂંટણીના  બીજા અને અંતિમ ચરણમાં પણ મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને 67.14 ટકા જેટલું બમ્પર મતદાન નોંધાયું છે. પહેલા ચરણમાં 65 ટકા અને બીજા તબક્કામાં 67 ટકા સાથે આ વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ 66 ટકા જેટલું ધીંગું મતદાન થયું છે. આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવા સાથે જ વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયેલા એક્ઝિટ પોલમાં શાનદાર બહુમત સાથે બિહારમાં એનડીએનાં શાસનનું પૂનરાવર્તન થવાની આગાહી કરવામાં આવી છે. મહાગઠબંધનને વધુ એક રાજ્યમાં સત્તાથી ઘણું છેટું રહી જતું જોવા મળે છે, જ્યારે જનસુરાજ પાર્ટી પણ કંઈ ખાસ ઉકાળી શકતી દેખાતી નથી. એનડીએને સરેરાશ 145થી 162, તો મહાગઠબંધનને 75થી 90 બેઠક મળવાનું અનુમાન છે. તા. 6 નવેમ્બરે પહેલા તબક્કાનાં મતદાન બાદ બિહારમાં આજે બીજા તબક્કામાં 122 બેઠક માટે મતદાન યોજાયું હતું. હવે બિહારની 243 બેઠકનું પરિણામ 14મી નવેમ્બરે જાહેર થશે, તે પહેલાં પરિણામ જેટલી જ આતુરતાથી રાહ જોવાતા એક્ઝિટ પોલનાં અનુમાનોની રાહ જોવાતી હોય છે. જે આજે બીજા ચરણનું મતદાન પૂર્ણ થવા સાથે જ જાહેર થવા લાગ્યા હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળતો દેખાય છે.  10 જેટલા એક્ઝિટ પોલનાં તારણો ઉપર નજર કરવામાં આવે તો એનડીએને સરેરાશ 145થી 162 બેઠક મળવાનું  અનુમાન છે. જ્યારે મહાગઠબંધનને 75થી 90 બેઠકો જ મળે તેવી ધારણા છે. જનસુરાજ પાર્ટીનું પણ કોઈ ઉપજણ ચૂંટણીમાં દેખાય તેવી સંભાવના તમામ એક્ઝિટ પોલ નકારી જાય છે.  11 મોજણીમાં એનડીએને બહુમતનો અંદાજ અપાયો છે અને માત્ર એક એક્ઝિટ પોલમાં જ મહાયુતિની જીતની શક્યતા દર્શાવાઈ છે. આ ચૂંટણીમાં એનડીએને સત્તા જાળવી રાખવાનો વિશ્વાસ હતો, જ્યારે રાજદ અને કોંગ્રેસ બે દાયકાથી ચાલતું મુખ્યમંત્રી નીતીશકુમારનું શાસન ડોલાવવાની આશા હતી. આ પહેલાંની ચૂંટણીની વાત કરવામાં આવે, તો 2020ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં રાજદની શાનદાર જીત અથવા તો કસોકસની રસાકસીની આગાહી કરવામાં આવી હતી. એ ચૂંટણીમાં રાજદ 75 બેઠક સાથે સૌથી મોટો પક્ષ તો ઉપસી આવેલો અને ભાજપ પાસે 74 બેઠક હતી, જ્યારે એનડીએ મોરચાએ કુલ મળીને 125 બેઠક અંકે કરીને 122નો જાદુઈ અંક સર કરી લીધો હતો. તેની સામે મહાગઠબંધનને 110 બેઠક જ મળી હતી. 

Panchang

dd