• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

કચ્છ સહિતના ખેડૂતો માટે વધુ રાહત

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) :  ગુજરાતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર-2025માં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું જેને લઇને ખેડૂતોમાં અસંતોષ વ્યાપ્યો હતો, ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા રૂા. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના ધારાધોરણો મુજબ 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં બિનપિયત પાક માટે રૂા. 12,000 પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂા. 22,000 પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂા. 27,500 પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈને સહાયમાં વધારો કરવા અંગે રજૂઆત કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના વિવિધ ધારાસભ્યોએ પણ સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂા. 22,000 પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોઇ તેમજ રવી ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂા. 20,000 પ્રતિ હેક્ટર લેખે બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે તા. 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના વીસીઇ/ વીએલઇના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 

Panchang

dd