• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

દિલ્હી ધડાકાના કાવતરાંખારો બચશે નહીં : મોદી

થિમ્પુ (ભૂતાન), તા. 11 (પીટીઆઇ) : દિલ્હી કાર વિસ્ફોટ પાછળ રહેલા કાવતરાંખોરોને બક્ષવામાં નહીં આવે. તપાસ એજન્સીઓ ઘટનાના તળિયા સુધી જશે અને સંડોવાયેલાઓને સજા થાય એ સુનિશ્ચિત કરાશે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું. ભૂતાનના પૂર્વ રાજા જિગ્મેસિગ્મે વાંગચૂકની 70મી જન્મજયંતી નિમિત્તે ચાંગલીમેથાંગ સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં સંબોધન કરતાં પી.એમ. મોદીએ કહ્યું હતું કે, દિલ્હીની ઘટના બાદ તેઓ `ભારે હૃદય' સાથે થિમ્પુ આવ્યા છે. વડાપ્રધાન સોમવારે આખી રાત દરમ્યાન કાર વિસ્ફોટની તપાસ કરી રહેલી એજન્સીઓના સંપર્કમાં રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સાંજે લાલ કિલ્લા પાસે એક કારમાં વિસ્ફોટ થતાં 12 લોકો માર્યા ગયા હતા.સદીઓથી ભારત અને ભૂતાન વચ્ચે ઊંડો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક નાતો રહ્યો છે, તેથી આ સમારોહમાં ઉપસ્થિત રહેવું એ મારી અને ભારતની પ્રતિબદ્ધતા હતી એમ તેમણે જણાવ્યું હતું. પરંતુ આજે હું ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. ગઇકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ તમામને ભારે દુ:ખ પહોંચાડયું છે. હું અસરગ્રસ્ત પરિવારોનું દુ:ખ સમજું છું. આજે આખો દેશ તેમની સાથે ઊભો છે એમ વડાપ્રધાને કહ્યું હતું. અમારી તપાસ એજન્સીઓ આ ષડયંત્રના તળિયા સુધી જશે અને તેની પાછળ રહેલા કાવતરાંખોરોને છોડવામાં આવશે નહીં. અપરાધીઓને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે એમ મોદીએ કહ્યું હતું. દિલ્હી વિસ્ફોટના પીડિતો માટે સ્ટેડિયમમાં હજારો ભૂતાનીની હાજરીમાં ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂકે પ્રાર્થનાનું નેતૃત્વ કર્યું હતું. 

Panchang

dd