નવી દિલ્હી, તા. 11 : દેશની રાજધાની
દિલ્હીને લાલ કિલ્લા નજીક જ સોમવારની મોડી સાંજે રક્તરંજિત કરતા રહસ્યમય કાર વિસ્ફોટનો
મૃત્યુઆંક વધીને 12 થઈ ગયો છે.
પોલીસે આમાં યુએપીએ હેઠળ કેસ નોંધી લીધો છે અને રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિતની અનેક
રાષ્ટ્રીય એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. ગૃહમંત્રાલયે આ વિસ્ફોટની તપાસ એનઆઈએને સોંપી
દીધી છે. આ દરમિયાન ધડાકામાં વપરાયેલી કારના સીસીટીવી ફૂટેજ સહિતનું પગેરું મળી આવ્યું
છે. આ ધડાકો હ્યુંડાઈની આઈ-20 કારમાં થયો
હતો અને તેનું પુલવામા કનેક્શન પણ બહાર આવ્યું છે. ફરીદાબાદની અલ ફલાહ હોસ્પિટલનો ડોક્ટર
અને આ ધડાકાના સૂત્રધાર પૈકીનો એક આતંકી મોહમ્મદ ઉમર જ કાર ચલાવતો હોવાનું ખુલ્યું
છે. આમ ફરીદાબાદમાં ગઇકાલે જ ઝડપાયેલા 2900 કિલો વિસ્ફોટકનું આ કેસમાં કનેક્શન હોવાનું વધુ સ્પષ્ટ થયું
છે. પોલીસે અલ ફલાહ યુનિવર્સિટીમાં તપાસ તેજ બનાવી છે. એજન્સીઓએ અલ ફલાહ યુનિવર્સિટીમાં
બાવનથી વધુ જણની પૂછતાછ કરી છે. ફરીદાબાદ પોલીસે છને અટકાયતમાં લીધા છે. પુલવામામાંથી
ઉમરના સાથી એવા ડો. સજ્જાદ અહેમદને પણ ઉઠાવયો છે. દિલ્હી સરકારે મૃતકોને રૂા. 10 લાખ અને ગંભીર રીતે ઘાયલોને
રૂા. બે લાખની વચગાળાની સહાય જાહેર કરી છે. વિસ્ફોટ એમોનિયમ નાઈટ્રેટ, ઓઈલ અને ડિટોનેટરથી કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક
તારણ આપવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી
છે કે, આ સંભવિત આતંકી હુમલો હતો અને તેની પાછળ જૈશ-એ-મોહમ્મદ
આતંકવાદી સંગઠનનો હાથ હોઈ શકે છે. ધડાકો જે કારમાં થયો હતો તેનાં નંબર એચઆર -26-સીઈ-7674 હતા. આ મોહમ્મદ સલમાન એસ/ઓ
મોહમ્મદ શાહિદનાં નામે નોંધાયેલી હતી. મોટરકારની આરસી બુક અનુસાર વર્ષ 2014માં તેનું રજિસ્ટ્રેશન થયેલું.
જો કે પોલીસની પૂછપરછમાં સલમાને કહ્યું હતું કે,
તેણે આશરે દોઢેક વર્ષ પહેલાં આ કાર વેચી નાખી હતી. તેણે આ કાર ઓખલાનાં
દેવેન્દ્ર નામક શખ્સને વેચેલી અને દેવેન્દ્ર પછી આ કાર વેચાતી-વેચાતી આખરે જમ્મુ-કાશ્મીરના
પુલવામાના રહેવાસી તારીકે ગત 24 ફેબ્રુઆરીના લીધી હતી. તારીકની ધરપકડ કરી લેવામાં આવી છે. એજન્સીઓએ
ઉમરની ઓળખ પ્રસ્થાપિત કરવા કાશ્મીરમાં તેની માતાના ડીએનએ નમૂના લીધા છે. કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહે આજે ઉચ્ચ બેઠકમાં સમીક્ષા કરી હતી. દરમ્યાન પોલીસે સંખ્યાબંધ લોકોને અટકાયતમાં લીધા છે. દિલ્હી
પોલીસે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરનારી કાર ઘટનાસ્થળે પહોંચી તે પહેલાના 11 કલાકના સઘડ શોધી કાઢ્યા છે.
આ કાર ધડાકાના 11 કલાક પહેલાં ફરીદાબાદથી લાલ
કિલ્લા સુધી જવા માટે નીકળી હતી. સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે, સોમવારે સવારે લગભગ 7.30 કલાકે ફરીદાબાદની એશિયન હોસ્પિટલ
બહાર જવા મળી હતી. સવારે 8.13 કલાકે બદરપુર
ટોલનાકું પસાર કરીને કાર દિલ્હીમાં દાખલ થઈ હતી. સવારે 8.20 કલાકે ઓખલા ઔદ્યોગિક વિસ્તાર
પાસે એક પેટ્રોલપંપ નજીક પણ આ કાર જોવા મળી હતી. કાર બપોરે 3.19 કલાકે લાલ કિલ્લા પરિસર નજીક
સુનહરી મસ્જિદ પાર્કિંગ એરિયામાં આવી હતી અને ત્યાં લગભગ ત્રણેક કલાક ઊભી રહી હતી.
ત્યાંથી સાંજે 6.22 વાગ્યે નીકળીને તે લાલ કિલ્લા
ભણી દોડી ગઈ હતી. આશરે 24 મિનિટ પછી
રસ્તામાં રેડલાઈટ સિગ્નલ ઓન થયું ત્યારે ધીમી ગતિએ આગળ વધતી રહેલી આ કારમાં પ્રચંડ
ધડાકો થઈ ગયો હતો. કારનાં સીસીટીવી ફૂટેજમાં એક સંદિગ્ધ દેખાઈ રહ્યો છે અને માનવામાં
આવે છે કે, તે શખ્સ ડો. ઉમર છે. પુલવામાના
તારીકે કાર ખરીદીને ડો. ઉમરને આપી હોવાની શંકા છે. કાર લાલ કિલ્લા પાસે જ્યારે મસ્જિદનાં
પાર્કિંગમાં ઊભી હતી ત્યારે પણ ઉમર તેમાં ત્રણ કલાક સુધી બેઠો રહ્યો હતો અને કારમાંથી
બહાર નીકળ્યો ન હતો. પ્રાથમિક તપાસ પછી પોલીસ આ વિસ્ફોટ ફિદાયીન આતંકવાદી હુમલો હોવાની
સંભાવના વ્યક્ત કરી રહી છે. પોલીસના કહેવા અનુસાર ફરીદાબાદના હાઈપ્રોફાઈલ આતંકવાદી
નેટવર્કનો ભાંડો ફૂટયા બાદ આ આત્મઘાતી હુમલાનો કારસો ઘડાયો હોઈ શકે છે. પોલીસ અને એનઆઈએ
સહિતની તપાસ ટીમો હવે હુમલા પહેલાં અને પછી આતંકવાદીઓ વચ્ચે કરવામાં આવેલા સંચાર-સંપર્કની
તપાસ કરી રહી છે. હુમલા પહેલાં 11 કલાકની મુસાફરી દરમિયાન હુમલાખોરે કોની-કોની સાથે સંપર્ક કર્યો
હતો તેની પણ તપાસ ચાલી રહી છે. આ વિસ્ફોટ પહેલાં તપાસ એજન્સીઓએ હરિયાણાના ફરીદાબાદમાંથી
એક વ્હાઈટ કોલર આતંકવાદી નેટવર્કનો ભાંડો ફોડયો હતો. તેના એક દિવસ અગાઉ ગુજરાતમાંથી
પણ ત્રણ સંદિગ્ધ આતંકવાદી પકડાયા હતાં. ફરીદાબાદમાંથી પકડાયેલા સંદિગ્ધનાં ઠેકાણાંમાંથી
2910 કિલો એમોનિયમ નાઈટ્રેટ ઝડપાયું
હતું. તે પહેલાં જમ્મુ-કાશ્મીર પોલીસે યુપીના સહારનપુરમાંથી એક ડોક્ટર આદિલની ધરપકડ
કરી હતી. તેની પૂછપરછમાં ફરીદાબાદનાં ડો. મુજમ્મિલ શકીલ વિશે બાતમી મળી હતી અને તેને
ત્યાંથી જ ભારે પ્રમાણમાં વિસ્ફોટકો પકડાયા હતા. તપાસ એજન્સીઓને દિલ્હી બ્લાસ્ટમાં
પણ એમોનિયમ નાઈટ્રેટ જ વપરાયું હોવાની આશંકા છે.