નવી દિલ્હી, તા. 10 : સુપ્રીમ
કોર્ટે કોંગ્રેસ નેતા જયા ઠાકુર તરફથી દાખલ અરજી ઉપર કેન્દ્ર સરકારને નોટિસ જારી
કરી છે, જેમાં
લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો કાયદો તત્કાળ લાગુ
કરવાની માગણી કરવામાં આવી હતી. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ આર મહાદેવનની
બેંચે સરકારને નવા સિમાંકન અભ્યાસની રાહ જોયા વિના મહિલા અનામત કાયદાને લાગુ કરવા
જવાબ માગ્યો હતો. સુનાવણી દરમિયાન બેંચે ટિપ્પણી કરી હતી કે સંવિધાનની પ્રસ્તાવના
કહે છે કે તમામ નાગરીકોને રાજનીતિક અને સામાજીક સમાનતાનો અધિકાર છે. આ દેશમાં સૌથી
મોટી અલ્પસંખ્યક મહિલાઓ છે જે લગભગ 48 ટકા છે. આ મહિલાઓની રાજનીતિક
સમાનતાનો મામલો છે. અરજકર્તા તરફથી રજૂ સીનિયર વકીલ શોભા ગુપ્તા અનુસાર
સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ મહિલાઓને પ્રતિનિધિત્વ માટે અદાલતનો દરવાજો
ખખડાવવો પડે છે. જે દુર્ભાગ્યપૂર્ણ છે. અધિવક્તાની દલીલ સાંભળીને બેંચે કહ્યું
હતું કે, સિમાંકન
અભ્યાસ ક્યારે થવાનો છે ? સરકારને નોટિસ જારી કરવામાં આવે.
અદાલત કોઈ આદેશ જારી કરી શકે નહીં. પ્રતિવાદીઓને નોટિસ જારી કરાવવામાં આવે.
અરજીમાં વિશેષ જોગવાઈને અસંવૈધાનિક ઘોષિત કરવાની માગણી થઈ હતી જેમાં જનગણના અને
બાદના સિમાંકનને અનામત લાગુ કરવાની પૂર્વ શરત બનાવવામાં આવી છે.