નવી દિલ્હી, તા. 10 : ઓસ્ટ્રેલિયાની
સરકાર દ્વારા બાળકોની ઓનલાઈન સુરક્ષાને સઘન બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં
આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં હવે 16 વર્ષથી નાની વયનાં બાળકો માટે
તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પ્રતિબંધિત કરી નાખવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે આની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, બાળકોનાં માનસિક
સ્વાસ્થ્ય અને સમગ્ર વિકાનને ધ્યાને રાખતા આ પગલું અત્યંત આવશ્યક છે. આ નવો નિયમ 10મી
ડિસેમ્બરથી અમલી બનશે અને ત્યારબાદ ફેસબૂક,
ઈન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ,
એક્સ, યૂ-ટયુબ અને કિક સહિતનાં પ્લેટફોર્મ ઉપર
કોઈ સગીર એકાઉન્ટ ઓપન કરી શકશે નહીં અને તેને ચલાવી પણ નહીં શકે. પ્રધાનમંત્રી
અલ્બનીઝે ભારપૂર્વક કહ્યું હતું કે, ડિજીટલ દુનિયા બાળકોનાં
ભવિષ્યને ખતરામાં નાખી શકે નહીં. આ કાયદાનું લક્ષ્ય હાનિકારક સામગ્રીથી બાળકોને
બચાવવા અને અત્યાધિક ક્રીન ટાઈમનાં દુષ્પ્રભાવોને ઘટાડવાનો છે. તેમણે આગળ કહ્યું
હતું કે, વૈશ્વિક સંશોધનોમાં જાણવા મળેલું છે કે, લાંબા સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ, ચિંતા,
ઉંઘની ઉણપ, એકાગ્રતામાં હાનિ જેવી સમસ્યાઓ
પેદા કરે છે. આમાં સૌથી મોટો સવાલ એ ઉપસ્થિત થાયય છે કે, સોશિયલ
મીડિયામાં બાળકોની ઉંમરની ખરાઈ કેવી રીતે થશે. જેનાં જવાબમાં ઓસ્ટ્રેલિયાનાં સંચાર
મંત્રી મિશેલ રાઉસે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપનીઓએ આ
કાયદાનાં પાલનને સુનિશ્ચિત કરવા માટે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. જેમાં
યુઝર દ્વારા વયની ખરાઈ માટે સરકારી, અધિકૃત દસ્તાવેજો પણ જમા
કરાવવા પડી શકે છે. આ ઉપરાંત ચહેરાની ઓળખ અને અવાજનાં વિશ્લેષણ સહિતનાં
બાયોમેટ્રિક પુરાવાનાં આધારે પણ બાળકોની ઉંમરનું અનુમાન લગાડવામાં આવી શકે છે.