નવી દિલ્હી, તા. 10 : ગુજરાતમાં
ત્રણ આતંકવાદીને ખતરનાક ઝેરના સામાન સાથે પકડીને આતંકવાદ વિરોધી દળ (એટીએસ)એ મોટી
સફળતા મેળવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની પોલીસે સંયુક્ત કાર્યવાહી કરતાં
બન્ને રાજ્યોમાં આતંકવાદી મોડયુલનો પર્દાફાશ કર્યો હતો. સાથોસાથ સાત સંદિગ્ધ
આતંકવાદીની ધરપકડ કરી લીધી હતી. બે તબીબ સહિત સાતને દબોચી લેતાં 2900 કિલોગ્રામ
વિસ્ફોટક (સંદિગ્ધ એમોનિયમ નાઇટ્રેટ) કબજે કરાયો હતો. આમ, ગુજરાત પછી કાશ્મીર અને
હરિયાણામાંથી દેશમાં મોટા હુમલાના ખતરનાક કારસાને નાકામ કરીને પોલીસ ટીમોએ મોટી
સફળતા મેળવી છે. તમામ પકડાયેલા આતંકવાદી ખુંખાર આતંકી સંગઠન જૈશ-એ -મોહમ્મદ સાથે
જોડાયેલા છે. આતંકવાદી મોડયુલ આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર સક્રિય હતું.
પકડાયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ તેમજ અંસાર ગજવત ઉલ હિન્દ સાથે જોડાયેલા હતા. તપાસ
પરથી જાણવા મળ્યું હતું કે, આ મોડયુલ સાથે વ્હાઇટ કોલર લોકો
પણ જોડાયેલા હતા, જેમાં વ્યવસાયીઓ, વિદ્યાર્થીઓ
તેમજ વિદેશી આકાઓના સંપર્કમાં રહેતા લોકો સામેલ છે. જમ્મુ- કાશ્મીર પોલીસે તપાસ
દરમ્યાન શ્રીનગર, અનંતનાગ, ગાંદરબાલ,
શોપિયાં સહિત જિલ્લામાં અનેક સ્થળો પર તલાશી અભિયાન છેડયું હતું. એ
જ રીતે ફરિદાબાદમાં હરિયાણા પોલીસની મદદથી અને સહારનપુરમાં ઉત્તરપ્રદેશ પોલીસ સાથે
મળીને દરોડા પાડયા હતા. ફરિદાબાદના પોલીસ કમિશનર સતેંદ્રકુમાર ગુપ્તાએ જણાવ્યું
હતું કે, છેલ્લા 15 દિવસથી હરિયાણા અને કાશ્મીર
પોલીસનું સંયુક્ત અભિયાન જારી હતું. સાત આતંકવાદીઓને પકડવા સાથે 20 ટાઇમર્સ, બેટરી, એસોલ્ટ રાઇફલ, ત્રણ મેગઝીન, 83 કારતૂસ, એક પિસ્તોલ સહિત મોતનો
સામાન કબજે કરાયો હતો. વિસ્ફોટક બનાવવાની 2900 કિલોગ્રામ સામગ્રીમાં વિસ્ફોટક, રાસાયણિક પદાર્થો,
રિએક્ટંટ, જ્વલનશીલ સામગ્રી, ઇલેક્ટ્રોનિક સર્કિટ, બેટરીઓ, તાર,
રિમોટ કંટ્રોલ, મેટલશીટ જેવી સામગ્રીઓ પણ જપ્ત
કરી લેવાઇ હતી. હરિયાણાનાં ફરિદાબાદમાંથી એક તબીબનાં ઘરમાંથી 360 કિલો
એમોનિયમ નાઇટ્રેટ, રાઇફલ, કારતૂસ કબજે કરાયા હતા. પકડાયેલા એ તબીબનું
નામ મુજમ્મીલ શકીલ છે, જે ફરિદાબાદની અલફલાહ યુનિવર્સિટીમાં
ભણાવતો હતો. આ જ ટેરર મોડયુલના સંબંધમાં અગાઉ ગત શુક્રવારે કાશ્મીર પોલીસે
સહારનપુરમાંથી ડો. આદિલ અહમદની ધરપકડ કરી હતી. આદિલ અનંતનાગની સરકારી મેડિકલ
કોલેજમાં ફરજ બજાવતો હતો. 2024માં રાજીનામું આપીને સહારનપુરમાં
પ્રેક્ટિસ શરૂ કરી હતી. કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, આતંકવાદી મોડયુલ સાથે
જોડાયેલા ફંડના સોર્સ એટલે કે, આર્થિક મદદ કરતા સ્રોત વિશે
જાણવા માટે તપાસ ગતિભેર ચાલી રહી છે.