નવી દિલ્હી, તા.10: હિન્દી સિનેમાનાં દિગ્ગજ અને વયોવૃદ્ધ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ફરી બગડી છે અને તેમની હાલત નાજુક છે. ધર્મેન્દ્રને તાજેતરમાં જ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતાં અને હવે ફરી તેમને શ્વસનમાં સમસ્યાઓ થતાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ વધુ કથળેલી હોવાનાં કારણે તેમને વન્ટીલેટર સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. ધર્મેન્દ્રનાં સ્વાસ્થ્ય ઉપર તબીબોની સતત નજર છે. જો કે હજી સુધી ધર્મેન્દ્રનાં પરિવાર તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી પણ તેમનાં પરિવારનાં ઘણાં સદસ્યો હોસ્પિટલે હાજર હતાં. ધર્મેન્દ્રની દીકરીઓને પણ અમેરિકાથી પરત બોલાવવામાં આવી હોવાનું કહેવાય છે. આ પહેલા 31 ઓક્ટોબરે ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં અને ત્યારે પણ તેમને આઈસીયુમાં જ સારવાર આપવી પડી હતી. ફરીથી તેમની તબિયત લથડતા ધર્મેન્દ્રનાં કરોડો ચાહકો અને સિનેમા જગત ચિંતાગ્રસ્ત બન્યું છે. - હૃદયની તકલીફ થતાં પ્રેમ ચોપડા લીલાવતી હોસ્પિટલમાં દાખલ : નવી દિલ્હી, તા. 10 : દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાને સોમવારે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હૃદય સંબંધી બિમારીના કારણે સારવાર શરૂ કરાઇ હતી. અચાનક તબીયત ગડી હતી. જો કે, 90 વર્ષીય અદાકાર તબીયત ખતરાથી બહાર છે અને બેથી ત્રણ દિવસમાં રજા મળી જશે તેવું તબીબોએ જણાવ્યું હતું. પ્રેમ ચોપડાના જમાઇ અને અભિનેતા વિકાસ ભલ્લાએ પણ ચાહકોને ચિંતાની કોઇ વાત નથી તેવી ધરપત આપી હતી.