• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

દેશનું દિલહી લોહીલુહાણ લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટથી 11 મોત

નવી દિલ્હી, તા. 10 : દેશની રાજધાની દિલ્હી માટે દુ:સ્વપ્ન સમાન અત્યંત કરુણ અને લોહિયાળ ઘટના સોમવારે બની હતી. લાલ કિલ્લા પાસે એક ચાલતી કારમાં થયેલા ખતરનાક ધડાકામાં 11 લોકોનાં મોત થઇ ગયાં હતાં, તો અન્ય 47 લોકો ઘાયલ થઇ ગયા હતા, જેમાંના અનેકની સ્થિતિ ગંભીર છે. આસપાસનાં અનેક વાહનો સળગી ગયાં હતાં. કારના ફૂરચા ઊડી જવાની સાથોસાથ જીવ ખોનાર લોકોનાં અંગો પણ રસ્તાઓ પર વિખેરાઇ ગયા હતા. બેહદ ઘાતક ધડાકાની ઘટનાને ગંભીરતાથી ધ્યાને લેતાં દેશભરમાં હાઇએલર્ટ જારી કરી દેવાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ ગૃહમંત્રી અમિત શાહને ફોન કરી અને ધડાકા અંગે જાણકારી મેળવી હતી. તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયેલા ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, આ ધડાકાની આતંકવાદી હુમલાનાં કૃત્ય સહિત તમામ એંગલથી તપાસ કરાશે. શાહે હોસ્પિટલમાં ઘાયલોને મળીને કહ્યું હતું કે, જલ્દી તપાસ અહેવાલ જાહેર કરાશે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નં. 1 પાસે રેડ સિગ્નલનાં કારણે એક આઇ-20 કાર ઊભી કે તરત જ તેની પાછળના હિસ્સામાં સાંજે છ અને બાવન મિનિટે ધડાકો થતાં ભારે ભયની લાગણી સાથે અફરાતફરી મચી ગઇ હતી. કારમાં ત્રણ જણ સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે લાલ કિલ્લો પ્રવાસીઓ  માટે બંધ હોય છે. અન્યથા જાનહાનિ ઘણી વધુ થઇ હોત. રાજ્યના દિલ્હીમાં 14 વર્ષ પછી આટલો મોટો વિસ્ફોટ થયો છે. અહેવાલો અનુસાર ધડાકાથી જાણે ધરતી ફાટી ગઇ હોય તેવા શક્તિશાળી અવાજોએ લોકોમાં ભય ફેલાવી દીધો હતો. વિસ્ફોટ બાદ લાગેલી આગની લપેટમાં આવતાં છ કાર, બે ઇ-રિક્ષા અને એક ઓટો.રિક્ષા સળગીને ખાખ થઇ ગયા હતા. વિસ્ફોટ થયો તે સ્થળે લોહી નીંગળતા મૃતદેહો, વેરવિખેર અંગો અને ઘાયલોની પીડાભેર ચીસોથી ભારે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ના અધિકારીઓ, સીઆરપીએફ, એનએસજી જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ફોરન્સિક ટીમ પણ પહોંચી ગઇ હતી. ધડાકાનું કારણ જાણવા આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ તરત શરૂ કરી દેવાઇ હતી. એનઆઇએની ટીમે તપાસનું સુકાન સંભાળી લીધું હતું. અગ્નિશામક દળનાં સાત વાહનોએ તરત દોડી આવીને ચાંદનીચોક પાસેના મેટ્રો સ્ટેશન પર લાગેલી આગને સાડા સાત વાગ્યા સુધી કાબૂમાં લઇ લીધી હતી. આ ધડાકો આતંકવાદી કૃત્ય હોવાની આશંકા સાથે રાજધાનીમાં લાલ કિલ્લાની સાથે દિલ્હી મેટ્રો, સરકારી ઇમારતો, એરપોર્ટ સહિત તમામ જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને હાઇએલર્ટ જારી કરી દેવાયું હતું. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમાંથી પણ કેટલાકની હાલત નાજુક જણાતાં મૃત્યુઆંક હજી પણ વધવાની ભીતિ છે. આ વિસ્ફોટ આતંકી હુમલો હોવાની આશંકાને પગલે દિલ્હી, મુંબઈ સહિત દેશનાં તમામ મહાનગરોમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યા હતા અને ધર્મસ્થાનોની સુરક્ષા સઘન બનાવી દેવાના આદેશો છોડાયા હતા. ફાયર બ્રિગેડને સાંજે 6.55 કલાકના સુમારે લાલ કિલ્લા પાસે ધમાકાની સૂચના મળી હતી. દિલ્હી પોલીસ, એનઆઈએ, એનએસજી, ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો સહિતની ટુકડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ છે અને આ વિસ્ફોટ કેવા પ્રકારનો હતો તેની તપાસ હાથ ધરી દેવામાં આવી છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે, તેમાં પ-6 વાહનોનાં ફૂરચા ઊડી ગયા હતા અને આસપાસની સ્ટ્રીટ લાઈટ પણ ધડાકાની તીવ્રતાથી ફૂટી ગઈ હતી. વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયો હતો અને આમાં ઘાયલ થયેલા લોકોને નજીકની એલએનજેપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ વિસ્ફોટની ઘટના પછી તાબડતોબ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી હતી અને આખા દિલ્હીમાં હાઈએલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમાં કોઈ મોટા ષડયંત્રની સંભાવના નકારી શકાય તેમ નથી. આ વિસ્ફોટ પછી દિલ્હી લાલ કિલ્લા પાસે ચાંદનીચોક બજારને પણ બંધ કરાવી દેવામાં આવી હતી. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આઈબીના વડા અને દિલ્હી પોલીસ કમિશનર સાથે આ ઘટના વિશે ચર્ચા કરી હતી અને એનઆઈએ સહિતની એજન્સીઓને આવશ્યક નિર્દેશો આપ્યા હતા. લાલ કિલ્લા પાસે થયેલા આ ધડાકાએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં આ વિસ્ફોટ કારમાં લાગેલા સીએનજીથી થયો હોય તેવું જણાતું નથી. પ્રત્યક્ષદર્શીઓના કહેવા અનુસાર ધડાકાની તીવ્રતા એટલી વધુ હતી કે ઘડીભર તો શું બન્યું તે સમજાતું જ નહોતું અને પછી આસપાસ દોડધામ મચી ગઈ હતી. અનેક વાહનોમાં નુકસાન થયું હતું અને સંખ્યાબંધ મોટરકારોનાં કાચ ફૂટી ગયા હતા.

Panchang

dd