• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

પ્રવાસી ટ્રેન માલગાડી પર ચડી ગઇ; 8 મૃત્યુ

રાયપુર, તા. 4 : છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મંગળવારની બપોરે ખતરનાક દુર્ઘટના સર્જાઈ હતી. કોરબા મુસાફર ટ્રેન માલગાડી પર ચડી જતાં આઠ યાત્રીનાં મોત થઈ ગયાં હતાં, તો ઘણાં બાળકો સહિત 20 લોકો ઘાયલ થયા હતા. આ લોહિયાળ દુર્ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. હાવડા રૂટ પર દોડી રહેલી યાત્રી ટ્રેનના અનેક ડબ્બા અકસ્માત પછી પાટા પરથી ઊતરી જતાં યાત્રીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. રાજ્યના આરોગ્યમંત્રી શ્યામ બિહારી જાયસ્વાલે જણાવ્યું હતું કે, ટ્રેનમાં ફસાઈ ગયેલા લોકોને ગેસકટર મશીનની મદદથી બહાર કાઢવાની કયાવત કરવી પડી હતી. દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવેએ મૃતક યાત્રીઓના પરિવારોને 10-10 લાખ રૂપિયા, ગંભીર હદે ઘાયલ યાત્રીઓ માટે પાંચ-પાંચ લાખ તેમજ સામાન્ય ઈજાગ્રસ્ત યાત્રીઓને પણ એક-એક લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી. ટ્રેનના આખા ડબ્બાને ગેસકટરથી કાપીને તેમાં ફસાયેલા બાળકો, મહિલાઓને સલામત બહાર કાઢવા અભિયાન છેડાયું હતું. આ લોહિયાળ દુર્ઘટના બાદ રેલવે તંત્રએ સિગ્નલિંગ સિસ્ટમની સર્વગ્રાહી તપાસ વિના વિલંબ કરવાનો આદેશ આપ્યો હતો. શું મેમુ ટ્રેનના ચાલકને યોગ્ય સિગ્નલ અંગે જાણકારી યોગ્ય સમય પર મળી હતી કે નહીં, તે જાણવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. દુર્ઘટનામાં જીવ ખોનાર લોકોપાઈલટ વિદ્યાસાગરનો મૃતદેહ એન્જિનમાં ફસાઈ ગયો હતો, તો ગંભીર હદે ઘાયલ મદદનીશ લોકોપાઈલટ રશ્મિને હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી. ચારે તરફ ચીસાચીસ, લોહી નીંગળતા મૃતદેહો અને ઈજાગ્રસ્તોની બુમરાળથી ભારે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. રેલવે અધિકારી વિપુલકુમારે કહ્યું હતું કે, ઇજાગ્રસ્ત યાત્રીઓની સારવાર રેલવે હોસ્પિટલ સિમ્સ અને એપોલોમાં શરૂ કરાઇ હતી. નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે, માલગાડીને યાત્રી ટ્રેને એટલી જોશભેર ટક્કર આપી હતી કે તેનો પહેલો ડબ્બો માલગાડીના છેલ્લા ડબ્બા પર ચડી ગયો હતો.ટ્રેકને લોહીભીના કરી દેનાર આ દુર્ઘટના બાદ કોરબાથી બિલાસપુર રૂટ પર ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવાયું હતું અને તાત્કાલિક બચાવ તેમજ રાહત કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી. - લોકોપાઈલટે રેડ સિગ્નલની અવગણના કરતાં અકસ્માત ?  : રાયપુર, તા. 4 : છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે સર્જાયેલી ભીષણ રેલ દુર્ઘટના બાદ તપાસ હવે એ દિશામાં કેન્દ્રિત થઈ ગઈ છે કે, મેમુ લોકલ ટ્રેને આખરે સિગ્નલ શા માટે તોડયું. પ્રારંભિક તપાસના સંકેત બતાવે છે કે, ટ્રેને નિર્ધારિત સિગ્નલ તોડયું અને માલગાડીના પાછળના ભાગ સાથે ટકરાઈ ગઈ હતી. તપાસ ટીમે એ જાણવાની કવાયત શરૂ કરી દીધી હતી કે, સિગ્નલ ઓળંગી જવા પાછળ યાંત્રિક ખામી જવાબદાર હતી કે, માનવીય ભૂલના કારણે આવું થયું. 

Panchang

dd