• બુધવાર, 12 નવેમ્બર, 2025

રાત્રે બે કલાક જ ફટાકડા ફોડી શકાશે

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે, સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર, દિવાળીની રાત્રે માત્ર બે કલાક (રાતે 8થી 10) સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ, પર્યાવરણ પર વિપરીત અસર અને આગ લાગવાના બનાવો ન બને તે માટે રાતના 10 વાગ્યાથી સવારના વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત, સરકારે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન તથા ઓછા પ્રદૂષણ ઉત્પન્ન કરતા ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે. આ ઉપરાંત ભારે ઘોંઘાટવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓએ માત્ર માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે. સરકારની ગાઇડલાઇન અનુસાર તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુક્યો છે. દિવાળી તથા અન્ય તહેવારો: ફટાકડા રાતે 8:00થી 10:00 કલાક સુધી જ ફોડી શકાશે. ક્રિસમસ અને નૂતન વર્ષ: આ તહેવારો દરમિયાન ફટાકડા રાત્રે 11:55 કલાકથી 12:30 કલાક સુધી જ ફોડી શકાશે. આ સૂચનાઓનું કડક પાલન કરાવવા માટે તંત્ર સક્રિય બન્યું છે, જેથી તહેવારો દરમિયાન પર્યાવરણની જાળવણી કરી શકાય.

Panchang

dd