નવી દિલ્હી, તા. 13 : તહેવારી
દિવસો વચ્ચે દેશના સરકારી, ખાનગી નોકરી કરતા કર્મચારીઓ માટે રાહત અને રાજીપાના સમાચાર મળી રહ્યા છે.
હવેથી પ્રોવિડન્ટ ફંડ (પી.એફ.)ના પૂરેપૂરા પૈસાનો ઉપાડ કરી શકાશે. કર્મચારી
ભવિષ્યનિધિ સંસ્થાન (ઈપીએફઓ)એ સોમવારે યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની
બેઠકમાં આ મહત્ત્વની પહેલનું એલાન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ
માંડવિયાના અધ્યક્ષ પદે યોજિત બેઠકમાં લેવાયેલા વિવિધ ફેંસલાથી ઈપીએફઓ સભ્ય,
કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળશે. બેઠકમાં પીઓફમાંથી આંશિક
ઉપાડના નિયમોને બેહદ સરળ બનાવાશે, તેવો નિર્ણય પણ લેવાયો
હતો. સાથોસાથ વિશ્વાસ યોજના હેઠળ જૂના કેસોનો નિવેડો લાવવાની કવાયત પણ શરૂ કરાશે.
ડિજિટલ કાયાકલ્પ હેઠળ અનેક નવી `ઈ-સુવિધાઓ' પણ શરૂ કરાઈ છે. જે
ઈપીએફઓને વધુ આધુનિક અને કર્મચારીલક્ષી સંસ્થા બનાવશે. હવેથી કર્મચારીઓ પોતાની
આવશ્યક જરૂરિયાતો, ઘર ખરીદી અને વિશેષ સંજોગો એમ ત્રણ
કેટેગરીમાં અને 100 ટકા પીએફ રકમ ઉપાડી શકશે. એ
સિવાય લગ્ન પ્રસંગ તેમજ શિક્ષણ પાછળ ખર્ચની જરૂરિયાતો માટે રકમ ઉપાડની મર્યાદા પણ
વધારી દેવાઈ છે.