લોસ એન્જેલસ, તા. 10 : કેલિફોર્નિયા
સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પગલું ભરતાં સરકારે ગવર્નરની પરવાનગી
વિના લોસ એન્જેલસમાં 2000 નેશનલ ગાર્ડ
સૈનિકો તૈનાત કરવા બદલ કાયદાકીય દાવો માંડવાની તૈયારી કરી છે. રાજ્યના અધિકારીઓનું
કહેવું છે કે, આ નિર્ણય કાયદાની વિરુદ્ધ
છે અને પહેલાંથી જ તંગ પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. નેશનલ ગાર્ડસ બાદ ટ્રમ્પ પ્રશાસને
લોસ એન્જેલસમાં 700 મરીન જવાનોને
પણ ઉતાર્યા છે. હિંસામાં થોડો ઘટાડો નોંધાયો છે,
પણ હજી તે સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. ટોળાંએ ફરી અમુક સ્થળે તોડફોડ
કરી હતી અને અમુક ગાડીઓને આગ ચાંપી હતી. અમેરિકી પોલીસે ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા
એક ઓસ્ટ્રેલિયન પત્રકારને રબર બુલેટ મારી હોવાનો અહેવાલ છે. એટર્ની જનરલ રોબ બોન્ટાએ
આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, `રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની મર્યાદા ઓળંગી
છે. તેમણે ગવર્નર ગેવિન ન્યૂસમની સંમતિ વિના સૈનિકો મોકલ્યા હતા, જે ગેરબંધારણીય છે.' બોન્ટાએ
વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઇ પણ પ્રકારનો હુમલો કે
બળવો થઇ રહ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે `રાષ્ટ્રપતિ ફક્ત રાજકીય લાભ માટે કટોકટી
અને અરાજકતા ફેલાવવા માગે છે.' કેલિફોર્નિયા
સરકારે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ કાયદાનો
દુરુપયોગ કર્યો છે, જે રાષ્ટ્રપતિને ફક્ત ખાસ પરિસ્થિતિઓ (જેમ
કે બાહ્ય હુમલો અથવા મોટાપાયે બળવાના કિસ્સા)માં જ સૈનિકો તૈનાત કરવાની છૂટ છે. રાજ્ય
સરકારનું કહેવું છે કે આવી કોઇ કટોકટી હાલમાં અસ્તિત્વમાં નથી. લોસ એન્જેલસમાં ઇમિગ્રેશન
દરોડા સામે હિંસક વિરોધ પ્રદર્શનો થયા અને ટ્રમ્પ વહીવટી તંત્રે રાજ્યની સંમતિ વિના
2000 નેશનલ ગાર્ડ મોકલ્યા, ત્યારે આ વિવાદ શરૂ થયો, પરંતુ ગવર્નર ગેવિત ન્યૂસમ અને અન્ય ડેમોક્રેટ નેતાઓ કહે છે કે, પરિસ્થિતિને સંભાળવાની જવાબદારી રાજ્યની છે અને ફેડરલ હસ્તક્ષેપની કોઇ જરૂર
નહોતી.