નવી દિલ્હી,
તા. 9 : નાસાના
એક્સિઓમ મિશન અંતર્ગત બુધવારથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 14 દિવસની યાત્રાએ જતાં પહેલાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ
શુક્લાએ ફુલ ડ્રેસ પૂર્વઅભ્યાસ કર્યો હતો, જેમાં એસેમ્બલી બિલ્ડિંગથી રોકેટ સુધી
જવા અને તેમાં બેસવાની પ્રક્રિયાનું પાલન કર્યું હતું. આ દરમિયાન શુભાંશુએ પોતાને આ
મિશનનો હિસ્સો બનવા માટે ભાગ્યશાળી ગણાવ્યો હતો. લખનઉના શુભાંશુના પરિવારે આગોતરા ઉલ્લાસ
સાથે ઉજવણી કરી હતી. અગાઉ, આવતીકાલે મંગળવારે નિર્ધારિત મિશન
ખરાબ હવામાનનાં કારણે એક દિવસ માટે રોકી દેવાયું હતું. શુભાંશુ 2020માં પાયાની તાલીમ મેળવવા રશિયા જઇ આવ્યો છે. ભારતીય
વાયુદળના સ્ક્વોડ્રન કમાન્ડર તરીકે ફરજ બજાવતા શુક્લાની પસંદગી ઇસરોએ કરી હતી. અવકાશ
યાત્રી ટીમના સભ્ય તરીકે શુભાંશુનું નામ પહેલીવાર સત્તાવાર રીતે 7 ફેબ્રુઆરી-2024ના
દિવસે જાહેર કરાયું હતું. એક મીડિયા હેવાલ મુજબ, લખનઉના રહેવાસી
શુભાંશુએ કહ્યું હતું કે, આ એક જબરદસ્ત યાત્રા છે. આ ક્ષણથી સમજાય
છે કે, હું જેનો હિસ્સો બન્યો છું તે મારાથી ખૂબ મોટી છે. ભાગ્યશાળી
છું કે, આ મિશનનો હિસ્સો બનવાની મને તક મળી તેમ શુભાંશુએ જણાવ્યું
હતું. આ મિશન અંતર્ગત શુભાંશુ સહિત ચાર અવકાશયાત્રીને લઈ જનારા રોકેટને મંગળવારે સાંજે
5.54 વાગ્યે લોન્ચ
કરાશે. શુભાંશુ આઈએસએસ પર જવાવાળા પહેલા અને અવકાશમાં જનારા બીજા ભારતીય છે. આ પહેલાં
રાકેશ શર્માએ 1984માં સોવિયત
યુનિયનના સ્પેસક્રાફ્ટથી અંતરિક્ષની યાત્રા કરી હતી. રાકેશ અંતરિક્ષમાં ગયા એના દોઢ
વર્ષ બાદ શુભાંશુનો જન્મ થયો છે. શુભાંશુની સાથે પોલેન્ડના સ્લાવોજ ઉજ્નાન્સ્કી, હંગેરીના ટિબોર કાપૂ અને અમેરિકાના પૈગી વ્હિટસન આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં
જશે.