નવી દિલ્હી, તા. 22 : ઉત્તર પ્રદેશમાં
આંધી, તોફાની પવન, ધોધમાર વરસાદથી
50 લોકોનાં મોત થઈ ગયાં હતાં.
રાજસ્થાનમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસ
પર પહોંચ્યો હતો. કાશ્મીરના પુંચમાં તોફાનથી શાળાઓ ધ્વસ્ત થઈ હતી. દેશના મોસમ વિજ્ઞાન
વિભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ
સહિત દેશનાં 31 રાજ્ય અને
કેન્દ્રશાસિત પ્રદેશોમાં તોફાની પવન, વરસાદનું એલર્ટ જારી કર્યું હતું. ઉત્તર પ્રદેશમાં બુધવારની સાંજથી મેરઠ,
આગ્રા સહિત 20 જિલ્લામાં તોફાની પવન, વરસાદ સાથે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આ તમામ જિલ્લામાં વીજળી
પડતાં, વૃક્ષો, દીવાલો પડતાં 23 જણનાં મોત થઈ ગયાં હતાં, તો ફિરોજાબાદમાં તોફાની પવનની થપાટથી ઉડીને
પડેલા શેડથી એક મહિલાનું ગળું કપાઈ ગયું હતું. બીજી તરફ છત્તીસગઢમાં વીજળી વેરણ બનતાં
ચાર લોકોનાં મોત થઈ ગયાં હતાં. કાશ્મીરમાં અંકુશ રેખા પાસે તોફાનથી અનેક શાળાઓ ધ્વસ્ત
થઈ ગઈ હતી. બીજી તરફ રાજસ્થાનના 17 જિલ્લામાં હીટવેવનો એલર્ટ જારી કરાયો હતો. શ્રી ગંગાનગર 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર દેશનું સૌથી વધુ ગરમ શહેર
રહ્યું હતું.