• ગુરુવાર, 01 મે, 2025

હેરાલ્ડ કેસ : સોનિયા-રાહુલ સામે ઈડીની ચાર્જશીટ

નવી દિલ્હી, તા. 15 :  નેશનલ હેરાલ્ડ કેસમાં નાણાંની લેવડ-દેવડના મામલે ઈડીએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય લોકો સામે 9મી એપ્રિલના ચાર્જશીટ દાખલ કરતાં રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ નેતા સામ પિત્રોડા અને સુમન દુબે સહિતને આરોપી દર્શાવતી આ ચાર્જશીટની તપાસ ખાસ રાઉઝ એવેન્યુ કોર્ટના જજ વિશાલ ગોગને કર્યા બાદ આગળની કાર્યવાહી માટે 25 એપ્રિલ સુધી કેસ મુલતવી રાખ્યો હતો. દરમિયાન, રાજકીય કિન્નાખોરીના પગલે ઈડીએ આ કાર્યવાહી કરી હોવાનું કોંગ્રેસે કહ્યું હતું, તો બીજી તરફ ભાજપના પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, જે લોકોએ જનતાના નાણાં લૂંટયા છે અને ભ્રષ્ટાચાર કર્યો છે, તેમને પરત કરવા પડશે. ઈડીએ પહેલીવાર સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી મુશ્કેલી વધી હોય તેમ ઈડીએ પહેલીવાર તેમની સામે આરોપનામું ઘડયું છે. આ પહેલાં તેમની સંપત્તિ ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, ઈડીના વકીલ એન. કે. મટ્ટા દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટ અંગે ન્યાયધીશ ગોગને કહ્યું હતું કે, હાલની ફરિયાદ પર 25 એપ્રિલના હાથ ધરાનારી સુનાવણીમાં આ કેસ પર ઈડી દ્વારા વિગતો રજૂ કરાશે, ત્યારે વિચારણા કરાશે, વધુમાં ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ફરિયાદની તપાસ અને નોંધણી બાદ કોર્ટ એ ખાતરી કરશે કે, રજૂ કરાયેલા દસ્તાવેજ અને પુરાવા યોગ્ય છે કે નહીં. ન્યાયાધીશે ઈડીની રજૂઆતની પણ નોંધ લીધી હતી, જેમાં કહેવાયું હતું કે, તે પૂર્વ નિર્ધારિત ગુના સંબંધિત કેસના સ્થળાંતર માટે જિલ્લા ન્યાયાધીશ સમક્ષ અરજી કરશે, જેની તપાસ સીબીઆઈ દ્વારા કથિત છેતરપીંડી, ગુનાહિત કાવતરું અને અન્ય ગુનાઓ માટે કરવામાં આવી રહી છે. દરમિયાન, ઈડીની કાર્યવાહી અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય લોકો વિરુદ્ધ ઈડી દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજકીય કિન્નાખોરી છે. વધુમાં રમેશે કહ્યું કે, નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી તે સરકાર પ્રેરિત છે, જે કાયદાને દબાવવાનું કામ કરે છે. કોંગ્રેસનું નેતૃત્વ ચૂપ નહીં રહે, સત્યનો વિજય થશે તેમ કોંગ્રેસ નેતાએ જણાવ્યું   હતું. નોંધનીય છે કે, આ કેસનાં મૂળ 2014માં એ ખાનગી કેસ સાથે જોડાયેલા છે જેને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે, ગાંધી પરિવાર અને તેનાં કરીબીઓએ માત્ર 50 લાખ રૂપિયા આપીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની કંપની એજેએલ ઉપર કબજો કરી લીધો છે. ઈડીએ નવેમ્બર 2023માં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને 90.2 કરોડ રૂપિયાનાં શેર અસ્થાયી રૂપે ટાંચમાં લેવાયા હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd