• ગુરુવાર, 01 મે, 2025

સોનું 90,000 - ચાંદી લાખને પાર

રાજકોટ/ભુજ, તા. 15 : અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટેરિફ વોર વકરી શકે તેવી પ્રબળ શક્યતા અને ફુગાવો ઘટતાં ફેડની આગામી બેઠકમાં જ વ્યાજદર કાપ આવે તેવી શક્યતાએ સોનાં-ચાંદીમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં પહેલીવાર ચાંદી એક લાખ રૂપિયાને તો સોનું 90,000ને પાર કરી ગયા છે. કોરોનાના પાંચ વર્ષ પછી સોનાએ બે હજાર ડોલરમાંથી 3000 ડોલર સુધીનો કૂદકો લગાવ્યો છે. આ સાથે સોનાંમાં નવો મુકામ હાંસલ થયો છે.  કોવિડ વખતે સોનું 2000 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. એ વખતે રોગચાળાના ભયને લીધે તેજી હતી.  પાંચ વર્ષમાં 50 ટકાનો અને વર્ષમાં 38 ટકાનો જોરદાર ઉછાળો આવતાં સોનું વિશ્વ બજારમાં 3004 ડોલરની અત્યાર સુધીની ટોચ બનાવી ચૂક્યું છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટેરિફ વોર વકરી રહી છે, તો બીજી તરફ અમેરિકી ફુગાવો ઘટતાં ફેડની આગામી બેઠકમાં જ વ્યાજદર કાપ આવી શકે તેવી સંભાવનાએ હેજફંડોએ ખરીદી કરતાં સોનાં-ચાંદીમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો. આજના વધારાને પગલે કચ્છની બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 1100નો ઉછાળો થઈ 90,850 રહ્યા હતા, તો ચાંદીમાં રૂા. 1700નો ઉછાળો થઈ 1,10,000ના ભાવ રહ્યા હતા. અમેરિકાની તાજેતરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા છે. કેનેડા, મેકિસકો, ચીન, ભારત સહિતના દેશોમાં ટેરિફ લગાવવાની રોજ નવી-નવી વાતો, ગાઝામાં શાંતિ સ્થાપીને ત્યાં પ્રવાસન વિકસાવવાના તુક્કા ઉપરાંત રશિયા સાથે વણસતા સંબંધો, ઇઝરાયલની ચિંતા, મધ્યસ્થ બેંકોની જોરદાર ખરીદી વગેરેને લઇને સોનાંમાં સલામત રોકાણની જોરદાર માંગ ખૂલી છે. ટ્રમ્પની ઊંચી-ઊંચી ટેરિફને લીધે આર્થિક અરાજકતા સર્જાય એમ છે. અમેરિકા ભયંકર મંદીમાં સરી પડે એવો ફફડાટ છે એટલે સોનાં સિવાય ક્યાંય સલામતી રહી નથી. શેરબજારો તૂટી પડયાં છે, એનો પૈસો પણ સોનાંમાં આવતાં ફાટફાટ તેજી થઇ ગઇ છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનાંનો ભાવ 10 ગ્રામ પ્રમાણે રૂા. 89,200ની સર્વાધિક ઊંચાઇએ ગયો હતો. વર્ષમાં રૂા. 23,250ની અધધધ તેજી થઇ છે. માર્ચમાં રૂા. 1350 ઉછળ્યા છે. ન્યૂયોર્કમાં પ્રથમ વખત ગઇકાલે 3000 ડોલરનો ભાવ થયો, ત્યારે બુલિયન બજારમાં ઉત્સાહ હતો. જો કે, ઘરાકી ઠપ થઇ ગઇ છે, પણ રોકાણકારો માલામાલ થઇ ગયાની લાગણી અનુભવી રહ્યા છે. સોનાંની સાથે ચાંદીમાં પણ ફાટફાટ તેજી છે. ચાંદી ન્યૂયોર્કમાં 33.77 ડોલર રહી હતી. વર્ષમાં 38 ટકાના ઉછાળા જોવા મળ્યા છે. રાજકોટમાં રૂા. એક લાખનો ભાવ થવા આવ્યો છે. ચાંદીનો ભાવ શનિવારે એક કિલોએ રૂા. 99,000 થયો હતો. એમાં વર્ષે રૂા. 26500ની અને મહિનામાં રૂા. 4500ની તેજી આવી ચૂકી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd