અમદાવાદ, તા. 6 : રાજ્યના
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શનિવારે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે
તેમનાં આગમનની પૂર્વ સંધ્યાએ શુક્રવારે રાજ્ય સરકારે કચ્છહિતમાં એક મહત્ત્વની ઘોષણા
કરતાં જણાવ્યું હતું કે, ભુજથી નખત્રાણા સુધીના 45 કિલોમીટરના માર્ગને `ફોરલેન હાઇસ્પીડ કોરિડોર' તરીકે વિકસાવાશે.
જાણકારોએ ગુજરાત સરકારની આ જાહેરાતને આનંદભેર
વધાવી લીધી હતી. આ મહત્ત્વપૂર્ણ કોરિડોર માટે સરકારે 937 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મળતી
માહિતી મુજબ કચ્છ આવી રહેલા મુખ્યમંત્રી શનિવારની બપોરે 12 અને 45 મિનિટે અંજાર નજીક
વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીના એક પ્લાન્ટની પાયાવિધિ, લોકાર્પણ અને વિસ્તરણ કરશે,
તેવું જાણવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી
તેમજ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત પણ આ ઉપક્રમોમાં ઉપસ્થિત રહેશે તેવી જાણકારી મળી
રહી છે. મુખ્યમંત્રી શ્રી પટેલે રાજ્યના મહત્ત્વનાં પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના
અગત્યના માર્ગોના માળખાંગત વિકાસનો અભિગમ અપનાવ્યો
છે. આ હેતુસર મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીનો 45 કિલોમીટર
માર્ગ ફોરલેન હાઇસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ?ધરવા રૂા. 937 કરોડ મંજૂર કર્યા છે.
હાલની સ્થિતિએ 10 મીટર પહોળાઇનો આ માર્ગ હાઇસ્પીડ કોરીડોર થવાથી સુપ્રસિદ્ધ તીર્થસ્થળ?માતાના
મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવાં પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં
વધુ સુગમતા થશે. એટલું જ નહીં આ રસ્તો આંતરરાષ્ટ્રીય સરહદ અને પાનધ્રો લિગ્નાઇટ ખાણને
જોડતો સૌથી મહત્ત્વનો માર્ગ હોવા ઉપરાંત અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લા તેમજ
દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે. આમ, 45 કિ.મી.નો આ ભુજ-નખત્રાણા
માર્ગ ફોરલેન હાઇસ્પીડ કોરિડોર થવાથી સરળ, ઝડપી અને ઇંધણની પણ બચત કરી શકાય, તેવો સરળ
વાહનવ્યવહાર ભવિષ્યમાં શક્ય બનશે. જાણકારોએ રાજ્ય સરકાર તરફથી કરાયેલી આ મહત્ત્વાકાંક્ષી
જાહેરાતને આનંદભેર આવકાર આપ્યો હતો. - હાઈસ્પીડ
કોરિડોરથી પશ્ચિમ કચ્છના વિકાસને વેગ મળશે : ભુજ, તા. 6 : રાજ્ય સરકારે વધતા જતા ટ્રાફિક તેમજ પ્રવાસન ક્ષેત્રના સતત થતા વિકાસને
ધ્યાને લઈ ભુજ-નખત્રાણાના 45 કિ.મી.ના માર્ગને ફોરલેન હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાની
જાહેરાત કરી છે, ત્યારે આ હાઈસ્પીડ કોરિડોરથી પશ્ચિમ કચ્છના વિકાસને વેગ મળશે તેવું
ભુજ અને અબડાસાના ધારાસભ્ય આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ
પટેલ અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં
કહ્યું કે, ભુજ-નખત્રાણા માર્ગ?પર ટ્રાફિકના સતત વધતા ભારણનાં કારણે હાઈસ્પીડ કોરિડોર
આવશ્યક બની ગયો હતો. આ મુદ્દે મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા સાથે તાજેતરમાં દિલ્હી ખાતે
વડાપ્રધાનનું પણ આ બાબતે રૂબરૂમાં ધ્યાન દોર્યું હતું. ત્યારે કચ્છી પ્રજાની લાગણીને
વાચા આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જાહેરાત કરી પશ્ચિમ કચ્છના વિકાસને વેગ
આપવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે.