આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 6 : લોકશાહીનાં મંદિર સમાન સંસદમાં શુક્રવારે
શિયાળુ સત્રના નવમા દિવસે વધુ એક વાર `નોટકાંડ'થી ગૃહ ગાજી ઊઠયું હતું. રાજ્યસભામાં આજે કોંગ્રેસ સાંસદ
અભિષેક મનુ સિંઘવીને ફાળવાયેલી બેઠક નંબર 222 પરથી 500 રૂપિયાની 50 હજારનાં મૂલ્યની
નોટોની થપ્પી મળી આવતાં ગૃહમાં ભારે ધમાલ મચી ગઇ હતી. આ મામલે ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ
અપાયો હતો. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે, ગઇકાલે ગુરુવારે ગૃહની કાર્યવાહી
સ્થગિત થયા પછી સુરક્ષા અધિકારીઓએ રોકડ મળી હોવાની જાણ કરી હતી. સત્તારૂઢ ભાજપે તરત
તપાસની માંગ કરી હતી, તો વિપક્ષ કોંગ્રેસે વાંધો ઊઠાવતાં કહ્યું હતું કે, તપાસથી પહેલાં
કોઇનું નામ લેવું યોગ્ય નહીં ગણાય. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુ તેમજ ભાજપ અધ્યક્ષ
જે.પી. નડ્ડાએ ગૃહમાં માંગ કરી હતી કે, આ સમગ્ર મામલાની વિસ્તારથી તપાસ થવી જોઇએ. આ
મુદ્દે વિપક્ષોએ જોરદાર હંગામા સાથે ધમાલ મચાવી દીધી હતી.સભાપતિનાં નિવેદન અને શાસક
પક્ષની તપાસની માંગની પ્રતિક્રિયામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લાકાર્જુન ખડગેએ કહ્યું હતું
કે, તપાસ પુરી ન થઇ જાય અને ઘટનાની પ્રામાણિકતા સ્થાપિત ન થાય, ત્યાં સુધી કોઇ સભ્યનું
નામ લેવું ન જોઇએ. આવાં `િચલ્લર'
કામ કરીને જ દેશને બદનામ કરાય છે. રાજ્યસભામાં `નોટકાંડ'ની ધમાલ વચ્ચે જાતે સ્પષ્ટતા
કરતાં તેલગાણાના કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ હું
રાજ્ય સભામાં જાઉં છું ત્યારે 500 રૂપિયાની માત્ર એક નોટ લઇને બેસું છું. ગઇકાલે ગુરુવારે
હું 12 અને 57 મિનિટે સંસદમાં પહોંચ્યો અને દોઢ વાગ્યા સુધી કેન્ટિનમાં બેઠો હતો. ત્યારબાદ
સંસદની અંદર ચાલ્યો ગયો. પહેલીવાર એવું સાંભળ્યું છે કે, કોઇ બેઠક પરથી રોકડ રૂપિયા
મળ્યા હોય, તેવું સિંઘવીએ કહ્યું હતું. તેમનાં આ નિવેદન પછી પણ સામસામી દલીલ, હંગામો
બંધ થયાં નહોતાં તપાસ પુરી થયા વિના કોંગ્રેસ સાંસદનું નામ લેવા સામે મજબૂત વાંધો લેતાં
ખડગેએ કહ્યું હતું કે, આવા મામલાથી દેશની છબી ખરાબ થાય છે, ત્યારે સત્તાપક્ષનાં સાંસદોએ
વિરોધ દર્શાવી, `શેમશેમ
એટલે કે, `શરમ શરમ'
બોલવા લાગ્યા હતા.ભાજપ અધ્યક્ષ નડ્ડા બોલ્યા હતા કે, આ મામલામાં `દૂધનું દૂધ, પાણીનું પાણી' થવું જ જોઇએ.
મને સમજાતું નથી કે, અધ્યક્ષ કોઇ સભ્યનું નામ લે તેની સામે વાંધો શા માટે હોવો જોઇએ.
રૂટિન પ્રોટોકોલ મુજબ એંટિસેબોર્ટ જ તમે ગૃહ બંધ થવા પહેલાં બેઠકોની તપાસ કરી હતી,
તેવું રિજ્જુએ જણાવ્યું હતું. સંસદીય કાર્યમંત્રીએ કહ્યું હતું કે, શું આ સૌને નથી
લાગતું કે આપણે ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે ગૃહમાં નોટોનું બંડલ
લાવવું યોગ્ય છે ? આ મામલાની ગંભીરતા પૂર્વક તપાસ થવી જોઇએ.