• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

અ'વાદની `કુ'ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મુક્યા બાદ બે દર્દીનાં મોત

અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા લોકો સાથે છેતરાપિંડી કરી જાણ બહાર દર્દીના એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડયા છે. દર્દીના પરિવારજનોનો આરોપ છે કે,  પીએમજેવાય યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરાયાં હતાં, જેના કારણે બે દર્દીનાં મોત નીપજ્યાં છે. પાંચની હાલત ગંભીર છે.  મહેસાણાનાં કડીના બોરીસણા ગામમાં મફત મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવ્યા હતા. આ દર્દીઓને જાણ કર્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મુક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનાં મોત નીપજ્યાં છે. આ સિવાય અન્ય પાંચ દર્દી ગંભીર હાલત હોવાથી આઇસીયુમાં છે. હવે એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાન બહાર આવી રહ્યાં છે.  તો ખાનગી હોસ્પિટલોનાં નાણાં કમાવવા માટેના કરતૂતો ફરી ચર્ચામાં છે. આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે, સોમવારે (11 નવેમ્બર) રાત્રે આ ઘટના બનતાં દર્દીઓના પરિવારમાં રોષ ફાટયો હતો. દર્દીઓના પરિવારજનોએ હોબાળો કર્યા બાદથી જવાબદાર તબીબો તેમજ હોસ્પિટલના સત્તાધીશો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. હોસ્પિટલની બેદરકારીનાં કારણે બે મૃતક સિવાય જે પાંચ દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, તે દર્દીઓ તબીબોની ગેરહાજરીનાં કારણે રઝળી પડયા હતા, જેથી સરકારી હોસ્પિટલમાંથી તબીબોની ટીમને ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવી હતી. ઓપરેશન કરનાર તબીબ સસ્પેન્ડ કરાયો છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના સીઇઓ ચિરાગ રાજપૂતે લૂલો બચાવ કરતાં કહ્યું છે કે, પોલીસ તપાસમાં અમે સહયોગ આપીશું. અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર મેડિકલ કેમ્પ થતાં હોય છે. 20 દર્દીને તપાસની જરૂર હોવાથી અહીં બોલાવ્યા હતા. કાર્ડિયોલોજિસ્ટ દ્વારા એસેસમેન્ટ અને રિપોર્ટ કરાયા હતા. જરૂર જણાતા સાત દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરાઇ હતી. સ્થિતિ ગંભીર હોવાથી સાતમાંથી બે દર્દીનાં મૃત્યુ થયાં હતાં. દર્દીઓ પોતાની મરજીથી અહીં આવ્યા હતા. તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. કેમ્પ કરવા માટે અમે તમામ મંજૂરી લીધી હતી. તમામ દર્દીઓની સારવાર હાલ પૂર્ણ થઇ ચૂકી છે. ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરે કહ્યું કે, કયાં કારણે મોત થયાં એ હું ન કહી શકું. હું એ વિષયનો નિષ્ણાત નથી. પેશન્ટની સહમતિ લીધી હતી. ખેદ છે કે, તેઓ હવે આપણી વચ્ચે નથી. કેમ્પમાં આવવા માટે કોઇને દબાણ કર્યું નથી. આ વિશે વધુ માહિતી આપતાં પીએમજેવાય હેલ્થ મિશનના ડિરેક્ટર ડો. યુ.ટી. ગાંધીએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે ડોક્ટરની બેદરકારીથી બે દર્દીનાં મોતના સમાચાર અમને મળતાં જ અમારી તબીબોની ટીમને અમે ખ્યાતિ હોસ્પિટલ મોકલી છે, જેમાં યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તપાસ કરશે. તપાસ દરમ્યાન જે દર્દીઓ તબીબો વિના રઝળી રહ્યા છે, તેમની સારવાર કરવામાં આવશે અને જે દર્દીઓની જરૂર જણાશે તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પીએમજેવાયનાં નામે કરવામાં આવેલી છેતરાપિંડીના દાવા વિશે હાલ ખ્યાતિ હોસ્પિટલના તમામ પેમેન્ટ રોકવામાં આવ્યાં છે. આ સિવાય તપાસ દરમ્યાન જો કોઈ નક્કર પુરાવા સામે આ કૌભાંડ સાચું હોવાની જાણ થશે, તો પેનલ્ટી સહિતની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang