• સોમવાર, 25 મે, 2026

ભુજના બે ગઠિયાએ અનેકને શીશામાં ઉતાર્યા

ભુજ, તા. 24 :  નકલી વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારી બની છેલ્લા સાત વર્ષ દરમ્યાન ગુજરાત તથા મુંબઇના વેપારીઓનો ફોનથી સંપર્ક કરી શીશામાં ઉતારી પૈસા તેમજ વસ્તુઓ લઇ એક કરોડથી વધુની છેતરપિંડીના કાંડમાં ભુજના બે આરોપીની અમદાવાદના કાગડાપીઠ પોલીસે ભુજના જગદીશ ઠક્કર અને મુકેશ સોરઠિયાની ધરપકડ કર્યાનું સામે આવ્યું છે. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં મોબાઇલ એસેસરીઝની અનેક દુકાનો આવેલી છે, ત્યારે આ મોબાઇલ એસેસરીઝની વસ્તુઓ અને આંગડિયા પેઢીનાં નામે ઓનલાઇન ફોટા મગાવી પૈસા તેમજ વસ્તુઓ લેવાની વેપારીઓ સાથે છેતરપિંડીની બે વેપારીઓ ફરિયાદ લઇને કાગડાપીઠ પોલીસ મથકે પહોંચ્યા હતા. આ ઉપરાંત વડોદરાનાય એક વેપારીએ આ પ્રકારની ઠગાઇ થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં  મૂક્યો હતો, જેના આધારે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. કાગડાપીઠ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે પગેરું દબાવી બાતમીના આધારે ભુજના વોકળા ફળિયામાં રહેતા 36 વર્ષીય જગદીશ રસિકલાલ ઠક્કર અને 37  વર્ષીય તેના મિત્ર મુકેશ ચેલારામ સોરઠિયા (રહે. નાગેન્દ્ર  પાર્ક, ભુજ)ની ધરપકડ કરી હતી. આરોપીઓ છેલ્લા સાતેક વર્ષથી અનેક વેપારીઓ પાસેથી 10થી 15 હજાર જેવી નાની રકમની છેતરપિંડી કરતા હતા. - આ રીતે વેપારીઓને શીશામાં ઉતારતા : આરોપી જગદીશ જુદી જુદી વસ્તુઓનો વેપારી બનીને છેતરપિંડી આચરતો હતો. સૌ પ્રથમ તે વસ્તુનો જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓના ફોન નંબર ગૂગલ અથવા યુ-ટયુબમાંથી મેળવી આ બાદ વેપારી બનીને ફોન કરી સામેવાળા વેપારીને વસ્તુઓના ફોટોગ્રાફસ મોકલવા જણાવતો હતો. આ બાદ માલની પસંદગી કરી બિલ તૈયાર કરાવતો હતો. બિલ પેમેન્ટની વાત આવતી ત્યારે ઓનલાઇન પેમેન્ટ હાલ નથી, જેથી આંગડિયાથી પેમેન્ટ કરું છું કહી બિલ કરતાં વધુ 10થી 15 હજાર આંગડિયામાં મોકલ્યાનું જણાવતો હતો. - મિત્ર આંગડિયાવાળો બનતો : આ બાદ મિત્ર અને સાથી આરોપી મુકેશ સોરઠિયા અવાજ બદલીને આંગડિયા પેઢીમાંથી બોલું છું. તમારું પેમેન્ટ આવી ગયું છે. સવારે લઇ જજો. થોડા સમય બાદ ફરીથી વેપારીને ફોન કરી જણાવતા કે જે વધારાના 10-15 હજાર મોકલ્યા છે જે મારે અન્ય વેપારીને ચૂકવવાના હોવાથી હું આપું તે સ્કેનરમાં મોકલી દો. આથી વેપારીઓ તેમની વાતોમાં આવી અને રૂપિયા પણ ટ્રાન્સફર કરી દેતા હતા. - પરચૂરણ વસ્તુઓના જથ્થાબંધ વેપારીઓને નિશાન બનાવાતા : ઝડપાયેલા આરોપીઓની પૂછતાછમાં મળેલી વિગતો મુજબ આરોપીઓએ છેલ્લા સાત વર્ષમાં સમગ્ર ગુજરાતમાં મોબાઇલ એસેસરીઝ, કાજુ-બદામ, ઘડિયાળ, કટલેરી સામાન, ગારમેન્ટ, ખારીસીંગ, કિચન-સેલ અને મરચાં જેવી પરચૂરણ વસ્તુઓના જથ્થાબંધ વેપારીઓને સાથે લાખોની છેતરપિંડી આચરી છે. - મુંબઇ ખાતે પણ આ જ રીતે ઠગાઇ : આરોપી અગાઉ મુંબઇમાં રહેતો હતો અને મુંબઇ ખાતે પણ આ જ મોડસ ઓપરેન્ડી પ્રમાણે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની કેફિયત આપી છે. આ મોડસ ઓપરેન્ડીના દાવપેચ  શીખ્યો હોવાની વિગતો આપી  હતી. 

Panchang

dd