ગાંધીધામ, તા. 24 : ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં
એક રહેણાક મકાનમાં પોલીસે છાપો મારી અહીંથી રૂા. 12,750ના ગાંજા સાથે શખ્સને પકડી પાડયો હતો. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં
રહેનાર દાઉદ કાસમ નારેજા નામનો શખ્સ પોતાના મકાનમાં માદક પદાર્થ રાખી તેનું વેચાણ કરતો
હોવાની સચોટ પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઈકાલે કાર્યવાહી કરી હતી. આ શખ્સના ઘરે પહોંચી
તેને સાથે રાખી પોલીસે મકાનની તપાસ કરી હતી. દરમ્યાન મકાનમાં પલંગ નીચે રાખેલી થેલીમાંથી
નાની-નાની થેલીઓ મળી આવી હતી. આ થેલીઓમાં રહેલ સૂકો પદાર્થ ગાંજો હોવાનું આ શખ્સે જણાવ્યું
હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને ખરાઈ માટે બોલાવ્યા હતા. દરમ્યાન મકાનની વધુ તપાસ
કરાતાં દીવાલમાં લાગેલ કુદરતી દૃશ્યનું ચિત્ર શંકાસ્પદ જણાતાં તેને ખોલાવાયું હતું.
આ ચિત્ર હટાવતા અંદરથી ચલણી નોટો નીકળી પડી હતી. પોલીસે અહીંથી રોકડ રૂા. 4,67,500 પણ જપ્ત કર્યા હતા. દરમ્યાન
એફ.એસ.એલ. અધિકારી ત્યાં આવી પદાર્થનું પૃથક્કરણ કરતાં તે ગાંજો જ હોવાનું બહાર આવ્યું
હતું. નાની-મોટી થેલીઓમાં રૂા. 12,750નો 255 ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો.
પકડાયેલા આ શખ્સે ગાંજો કયાંથી મેળવ્યો હતો તે બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે
હાથ ધરી છે.