• સોમવાર, 25 મે, 2026

માંડવી : પ્લોટ વેચાણ આપવાના બહાને 70 લાખની છેતરપિંડી

ભુજ, તા. 24 : માંડવીમાં પ્લોટ વેચાણે આપવા સોદા કરી 70 લાખ ટુકડે-ટુકડે આપી દીધા બાદ દસ્તાવેજ ન થયા અને તપાસમાં તેના પિતાનાં નામે પ્લોટ નીકળ્યા, આમ 70 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આજે માંડવી પોલીસ મથકે માંડવીના લે-વેચના ધંધાર્થી શાહિલ મામદ સિંધીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રણેક વર્ષ પૂર્વે તેમના ઓળખીતા આરોપી મોહમદ અશરફ અલીમામદ જુણેજા (રહે. હજીરા રોડ, ધવલ પાર્ક, માંડવી) સાથે મુલાકાત થઈ હતી અને તેમણે જણાવ્યું કે, મોટા સલાયામાં હાજી હશન હોસ્પિટલ રોડ, ફારુકી મસ્જિદની બાજુમાં પોતાના 10 પ્લોટ છે જેમાંથી છ પ્લોટ વેચવાના છે, જે આશરે 1400 વાર ઉપર છે. જો તારે લેવા હોય તો પહેલાં તને આપું, આથી પ્લોટોના કાગળો મગાવ્યા અને વકીલને બતાવતાં યોગ્ય લાગતાં એક કરોડમાં સોદો થયો હતો. ટોકન પેટે એક લાખ રોકડા આપ્યા હતા. ત્યારે મોહમદ અશરફે કહ્યું કે, એક કરોડમાંથી દસ્તાવેજ પહેલાં 70 લાખ આપવા પડશે. બાકીના દસ્તાવેજ બાદ. ફરિયાદીએ કહ્યું કે, પેમેન્ટ તમારા ખાતાંમા નાખું તો ચાલશે, આથી તેણે જણાવ્યું કે, મારા ઉપર ઘણું લેણું છે. ઘણાને ચેકો આપેલા છે, તે ચેકોથી નાણાં ઉપાડી લેશે. આથી મને રોકડા જ આપવાના રહેશે. આ બાદ મોહમદ અશરફને ઓક્ટોબર-2023થી માર્ચ-2025 સુધી ટુકડે-ટુકડે કુલ્લે રૂા. 70 લાખ આપી દીધા હતા. જેમાંથી મોટા ભાગની રકમ રોકડેથી આપી હતી. ઓગસ્ટ-24ના 40 લાખ આપ્યા ત્યારે દસ્તાવેજ કરાવા માંડવીની સબરજિસ્ટ્રાર કચેરી ગયા ત્યારે કાગળો જોઈ સબ રજિસ્ટ્રારે જણાવ્યું કે, પ્લોટ અંગેની નોંધ પડી નથી. નોંધ પડયેથી દસ્તાવેજ બનશે. મહમદ અશરફે કહ્યું કે, બે દિવસમાં નોંધ પડાવી દઈશે. બે દિવસ બાદ તેણે કહ્યું, બધુ સેટિંગ થઈ ગયું છે. નોંધની જરૂર નથી. મેં સોગંદનામું લખી આપ્યું છે. આનાથી કામ થઈ જશે. નોંધના કાગળ ન હોવાથી સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ બનાવવાની ના પાડી હતી. આ બાદ મોહમદ અશરફે ફરિયાદીને જણાવ્યું કે, જેનાથી સેટિંગ થયું હતું તે મુંદરાથી આવવાના હતા તે આવ્યા નહીં એટલે નથી થયું, તે હવે આવશે ત્યારે દસ્તાવેજ માટે બોલાવીશ કહીને જતા રહ્યા હતા.આ બાદ અવાર-નવાર દસ્તાવેજ માટે કહેતાં નવા-નવા બહાના આપ્યા હતા. આ બાદ ફરિયાદીએ પ્લોટો બાબતે તપાસ કરાવતાં તે પ્લોટ મોહમદ અશરફના હતા જ નહીં ,તમામ પ્લોટ તેમના પિતા અલીમામદ હાજી હસન જુણેજાના નામના છે. આમ આરોપી મોહમદ અશરફે પ્લોટ પોતાના માલિકીપણાના હોવાનું કહી ખોટું સોગંદનામું કરી ફરિયાદી પાસેથી 70 લાખ લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

Panchang

dd