ગાંધીધામ, તા. 24 : ભચાઉ તાલુકાની લાકડિયા સીમમાં
નવી બનતી કંપનીમાં અંદર ઘૂસી નિશાચરો તેમાંથી રૂા.6,46,380ના વાયરની તફડંચી કરી ફરાર થઇ ગયા હતા. લાકડિયા ગામની સીમમાં
આવેલી અના વીલવાયર એન્ડ એન્જિનીયરિંગ નામની કંપનીમાં ગત તા. 22/5થી 23/5 દરમ્યાન નિશાચરોએ હાથ માર્યો
હતો. આ કંપની વિન્ડમિલના ટાવર બનાવવાનું કામ કરે છે. કંપનીમાં અમુક વિભાગ ચાલુ થઇ ગયા
છે, જ્યારે અમુક વિભાગમાં કામ ચાલી રહ્યું છે. હેડ ઓફિસ વલસાડથી અહીં એક ડ્રમમાં 4 કોરનો 50 એમ.એ.નો ફ્લેક્સિબલ કોપર
વાયર 300 મીટર આવ્યો હતો. આ 300 મીટર પૈકી અમુક વાયર કામગીરીમાં
વાપરી નાખવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો 180 મીટર વાયર પરત ડ્રમમાં મૂકી દેવામાં આવ્યો હતો. કંપનીને ફરતે
ઊંચી દીવાલ અને તેના ઉપર ફેન્સિંગ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે નિશાચરો એક જગ્યાએથી
ફેન્સિંગ તોડી અંદર ઘૂસ્યા હતા અને વજનદાર આ વાયરને બહાર કાઢવા દીવાલમાં બાકોરું પાડી
વાયરની તફડંચી કરી ગયા હતા. તોતિંગ વાયર ઉપાડવા ટોળકી આવી હોવાનું અને કોઇ મોટાં વાહનમાં
આવ્યા હોવાનું મનાય છે. બનાવ અંગે કંપનીના નીતેશકુમાર શિવમંગલ ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી.