ગાંધીધામ, તા. 24 : રાપરના કાનપર નજીક સીમમાંથી
એક શખ્સને પોલીસે પકડી પાડી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરી હતી. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની એક ટીમ રાપર
બાજુ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન હમીરપરથી કાનપર ગામ તરફ પસાર થનાર શખ્સ પાસે બંદૂક
હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે સીમમાં બાવળની ઝાડીમાં વોચ ગોઠવી હતી, દરમ્યાન હમીરપરનો
વિનોદગિરિ રમેશગિરિ ગોસ્વામી નામનો શખ્સ કચ્છી લૂંગી સાથે પગપાળા આવતો દેખાયો હતો.
નજીક આવતાં તેને પકડી લેવાયો હતો અને લૂંગી હટાવતાં અગ્નિશત્ર મળી આવ્યું હતું. તેની
પાસેથી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરાઇ
હતી. તેણે પોતે જ આ બંદૂક બનાવી હોવાનું અને તે ખેતીના પાકમાં જંગલી પશુઓથી રક્ષણ માટે
ઉપયોગમાં લેતો હોવાનું બહાર આવ્યું હતું.