• સોમવાર, 25 મે, 2026

મોખા ટોલનાકા પાસે ઊભેલા પ્રૌઢને ટ્રકે અડફેટે લઇ ઢીમ ઢાળ્યું

ભુજ, તા. 24 : આજે સવારે મુંદરાના મોખા ટોલનાકા પાસે બાઇક નજીક ઊભેલા અંજાર તાલુકાના ચાંદ્રોડાના 61 વર્ષીય પ્રૌઢ મગાભાઇ આહીરને ટ્રકે અડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યા હતા. બીજી તરફ લખપત તાલુકાના સાનધ્રોમાં 19 વર્ષીય યુવા પરિણીતા ભારતીબેન રાજેશભાઇ કોલીએ સીમમાં પીલુડીના ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. અંજારના ચાંદ્રોડા ગામના પ્રૌઢ મગાભાઇ આજે સવારે 8.45 વાગ્યાના અરસામાં મોખાના ટોલનાકા પાસે પોતાની બાઇક નજીક ઊભા હતા ત્યારે પૂરપાટ આવતી ટ્રક નં. આરજે-19-જીએફ-8569વાળીએ તેમને અડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પુત્ર કરશનભાઇએ ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવતાં પ્રાગપર પોલીસે બેદરકારી-ગફલતભરી રીતે ટ્રક ચલાવી ફરિયાદીના પિતાને અડફેટે  લઇ ગંભીર ઇજા પહોંચાડી મૃત્યુ નીપજાવવા બદલ માર્ગ અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ લખપત તાલુકાના સાનધ્રોવાંઢમાં રહેતી યુવા પરિણીતા ભારતીબેને ગઇકાલે સવારે કોઇ અગમ્ય કારણોસર સાનધ્રો ગામની ઉત્તરાદી સીમમાં પીલુડીના ઝાડ સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. તેમને દયાપર સીએચસી લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. નારાયણ સરોવર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી. 

Panchang

dd