• રવિવાર, 24 મે, 2026

બાલાસર-મોવાણા માર્ગે ગાડી પલટતાં એકનું મોત : એક ઘાયલ

ગાંધીધામ/ભુજ, તા. 23 : બાલાસર-મોવાણા માર્ગ ઉપર નીલગાય આવી જતાં ગાડી પલટી મારતાં ગંભીર ઈજાગ્રસ્ત દશરથ પેથાભાઈ પરમારનું મૃત્યુ થયું હતું, તો ગત તા. 18/5ના રતનાલ બાયપાસ રોડ પર ભુજના ચાકી પરિવારની કાર ડિવાઈડર સાથે ટકરાતાં કારનો બૂકડો બોલી ગયો હતો, જેમાં બેનાં મોત બાદ ગઈકાલે 63 વર્ષીય ઈસ્માઈલ હાજી લતીફ ચાકી (ઉર્ફે બાપાડાભાઈ)એ પણ સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આ ગોઝારા અકસ્માતનો મૃત્યાંક ત્રણ પર પહેંચ્યો છે. બીજી તરફ ગઈકાલે માધાપરમાં 16 વર્ષીય સગીરા અફસીન ઈકબાલ કુંભારે ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. અકસ્માતનો આ બનાવ વ્રજવાણી પાટિયાથી આગળ અને વીસાસર વાંઢ બેલા વચ્ચે  ગત તા.20/5ના રાત્રે  12 વાગ્યાના અરસામાં બન્યો હતો. સ્કોર્પિયો ગાડી નં. જીજે-39-સીએ-9118ના ચાલકે બેદરકારીપૂર્વક ઝડપભેર વાહન ચલાવતા હતા ત્યારે અચાનક  નીલગાય આવી જતાં ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં. વાહન પલટી મારી  જતાં  ચાલકની બાજુમાં બેઠેલા દશરથભાઈને ગંભીર પ્રકારની ઈજા  પહોંચતા તેમનું ઘટના સ્થળે  જ મોત નિપજ્યું હતું. આ બનાવમાં ફરિયાદી  લખમણભાઈ જગાભાઈ બારી (રજપૂત)ને પણ ઈજા પહોંચી હતી. આ ગુના અંગે ચાલક  પેથાભાઈ  વેરાભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ છે. રતનાલ બાયપાસ રક્તરંજિત બનતા ભારે હોબાળો મચ્યો હતો. ગત તા. 18/5ના સિનુગ્રાથી પરિવારના ઈસ્માઈલ (બાપાડાભાઈ) ગાડી ચલાવી પરિવાર સાથે આવી રહ્યા હતા અને કાર રતનાલ બાયપાસ પાસે ડિવાઈડર સાથે ટકરાતાં કારનો બૂકડો બોલી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં યાસ્મીન ઈસ્માઈલ ચાકીનું અને સારવાર દરમ્યાન તેમની દોહિત્રી શિફાબેન રમજુ ચાકીનું મૃત્યુ નીપજ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા ઈસ્માઈલ (બાપાડાભાઈ) ગઈકાલે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યાની વિગતો પરિજનો પાસેથી પ્રાપ્ત થઈ છે. આમ, આ ગોઝારા અકસ્માતમાં મૃત્યાંક ત્રણ પર પહોંચ્યો છે. બીજી તરફ માધાપરના નવાવાસના સોનીવાડીમાં રહેતી 16 વર્ષીય સગીરા અફસીન કુંભારે ગઈકાલે પોતાનાં ઘરે બેડરૂમમાં કોઈ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પિતા ઈકબાલ મામદ કુંભારે માધાપર પોલીસ મથકે વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

Panchang

dd