• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

સામખિયાળી પાસે હિટ એન્ડ રનના બનાવમાં બાઈકસવાર યુવાને જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 2 : પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માત અને અકસ્માત મોતના બે બનાવમાં બે યુવાનનાં  મોત નીપજ્યાં હતાં. ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે અજાણ્યાં વાહને બાઈકને હડફેટે લેતાં ચક્કુકુમાર મણકાનું  મોત નીપજ્યું હતું. ભચાઉ તાલુકાના નાની ચીરઈમાં સંજય રાજકુમાર (ઉ.વ. 22)એ ગળેફાંસો ખાઈને મોતનો માર્ગ અપનાવ્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના સામખિયાળીમાં માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 1ના  રાત્રિના અરસામાં ટોલનાકાથી સામખિયાળી જતા પૂલિયા ઉપર બન્યો હતો. અજાણ્યાં વાહનના ચાલકે પૂરઝડપે વાહન ચલાવી બાઈકને હડફેટે લીધી હતી. વાહનચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. માથાં સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત નીપજ્યું હતું. ફરિયાદી કાનજી વીરમભાઈ સિયારિયાને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉ તાલુકાના ચીરઈમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 1ના સવારે 4 વાગ્યાના અરસામાં યાહાળપુર કુલિંગ કંપનીની કોલોની ખાતે બન્યો  હતો. હતભાગી યુવાને મફલર વડે ગળાફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવ્યો હતો. બનાવ પાછળનું કારણ અકળ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd