ભુજ, તા. 1 : શહેરની
ભુજિયાની તળેટીમાં સ્મૃતિવન પાસે સવારે કુદરતી હાજતે ગયેલા 25 વર્ષીય યુવાન દિનેશ કેશવ સથવારા (દેવીપૂજક)નું મૃત્યુ
થયું હતું. બાવળોની ઝાડીમાંથી તેની લાશ મળતાં ઘટનાસ્થળે લોકો એકત્ર થયા હતા અને બનાવના
પગલે રાજકીય-સામાજિક આગેવાનો દોડી ગયા હતા. પોલીસ પણ ધસી જઇ છાનબીન આદરતાં આ બનાવના
પગલે ચકચાર પ્રસરી હતી. આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે અને જી.કે. જનરલ હોસ્પિટલની
પોલીસ ચોકીમાં મૃતક દિનેશના ભાઇ અનિલભાઇએ જાહેર કરેલી વિગતો મુજબ દિનેશ સવારે આઠેક
વાગ્યે કુદરતી હાજતે ગયો હતો અને મોડે સુધી પરત ન આવતાં છાનબીન કરતાં 11 વાગ્યે બાવળોની ઝાડીમાં બેભાન કે મૃત મળતાં હોસ્પિટલ
ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. માધાપરના સથવારાવાસમાં રહેતા હતભાગી
દિનેશનો એક ત્રણ માસનો પુત્ર છે. આ બનાવના પગલે સ્મૃતિવન-નળવાળા સર્કલ વચ્ચે ભુજિયાની
તળેટીમાં ઘટનાસ્થળે પરિજનો અને રાજકીય-સામાજિક આગેવાનો એવા રમેશ આહીર, દાદુભા ચૌહાણ વિગેરે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે
ધસી આવી હતી. શરૂમાં યુવાનની હત્યાની આશંકા સેવાતાં ચકચાર પ્રસરી હતી. જો કે,
આ અંગે બી-ડિવિઝનના પી.આઇ. એસ. એમ. રાણાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું
હતું કે, પ્રાથમિક રીતે હત્યા જેવા કોઇ પુરાવા સામે આવ્યા નથી.
કુદરતી હાજત વેળાએ કે ઊભા થતા સમયે પડી પથ્થર પર પટકાતાં સામાન્ય માથામાં ઇજાના નિશાન
હતા. આમ, કુદરતી મોત થયાની સંભાવના સામે આવી છે. મૃતકના ભાઇએ
જ દિનેશની લાશ ઉપાડી હતી અને માથું પથ્થર પર પટકાયાની ઇજા હતી.