ભુજ, તા. 14 : સોશિયલ મીડિયામાં વિવિધ આઈડી
બનાવી એકના ડબલ અને સસ્તાં સોનાની લાલચ આપી ઠગાઈ આચરતી ભુજની ગેંગના એક આરોપીને પશ્ચિમ
કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી તેની પાસેથી 99,30,000ની ખોટી તથા સાચી ચલણી નોટો
તેમજ નકલી સોનાનાં બિસ્કિટ સહિત કુલ રૂા. 14,98,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો,
જ્યારે અન્ય ચાર આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે
આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે
હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજના સરપટનાકાની બાજુમાં આવેલા શેખ ફળિયામાં રહેતા અજરૂદ્દીન
કાસમશા શેખને ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપી અજરૂદ્દીને કબૂલ્યું હતું કે,
તેની સાથે રમજુશા કાસમશા શેખ અને અલીશા કાસમશા શેખ, સુલતાન લંઘા અને અંજારનો શેખડાડા લોકોને છેતરવાના ઈરાદે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ
બનાવી જુદી-જુદી આઈડી મારફતે ભારતીય ચલણી નોટોનો વીડિયો બનાવી તેમાં અલગ-અલગ બોક્સ-થેલાઓમાં
નોટોના બંડલો, જેમાં ઉપર સાચી નોટ અને બાકીની તમામ કોરી નોટો
રાખી અને એક લાખના પાંચ લાખ કરી અપાશે તેવા વીડિયો બનાવતા હતા. આ વીડિયો મારફતે લોકો
સાથે સંપર્ક સાધી વિશ્વાસ કેળવતા હતા અને નાણાં પડાવી લેતા હતા. આરોપીના ઘરની તલાશી
લેતાં તેમાંથી 99,30,000ના
ભારતીય ચલણની સાચી-ખોટી નોટોના બંડલ તેમજ સોના જેવી ધાતુના 11 બિસ્કિટ તથા 9 મોબાઈલ અને 18 સિમકાર્ડ, જેમાં એક દુબઈનું હોવાનું પણ ખુલ્યું હતું. તે ઉપરાંત વિનુભાઈ નામની વ્યક્તિના આધાર કાર્ડ-ચૂંટણી
કાર્ડની નકલ સહિત કુલ રૂા. 14,98,400નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ બાબતે ડીવાય એસપી શ્રી
ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, ગુનાહિત
ઈતિહાસ ધરાવતા આરોપી અજરૂદ્દીન અને તેના બે ભાઈ રમજુશા તથા અલીશાએ અગાઉ કોને-કોને છેતર્યા
છે તથા તેમની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે જાણવા પકડાયેલા આરોપી અજરૂદ્દીનના
રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરાશે તેમજ અન્ય આરોપીઓ રમજુશા, અલીશા,
સુલતાન અને શેખડાડાને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી આદરાશે. આ કાર્યવાહીમાં
એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠીની માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી. જાદવ,
હેડ કોન્સ. શક્તિસિંહ ગઢવી, નવીનભાઈ જોશી,
રાજેશભાઈ ગઢવી તથા કોન્સ. જીવરાજભાઈ ગઢવી તેમજ મહિલા કોન્સ. દિવ્યાબેન
વેકરિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.