• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

સામખિયાળી નજીક 9.78 લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 13 : ભચાઉના સામખિયાળી ટોલ પ્લાઝા નજીક એલ.સી.બી.એ દારૂ ભરેલી કારને રોકવા પોતાની કાર વચ્ચે રાખતાં બુટલેગરોએ તેની કાર પોલીસની ખાનગી ગાડીમાં ભટકાવી તેમાંથી બે શખ્સ નાસી ગયા હતા. આ કારમાંથી પોલીસે રૂા. 9,78,800નો શરાબ જપ્ત કર્યો હતો. બીજીબાજુ ગાંધીધામમાં રૂા. 22,520નો દારૂ ઝડપાયો હતો પરંતુ આરોપી ગેરહાજર હતો. ભચાઉ વિસ્તારમાં ગત મોડીરાત્રે એલ.સી.બી.ની એક ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન પડાણાથી સામખિયાળી બાજુ જઇ રહેલી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ખાનગી વાહનથી સામખિયાળી ટોલ પ્લાઝા નજીક પહોંચી હતી જ્યાં બાતમીવાળી કાર નંબર જી.જે. 12 ડી.એમ. 3131 આવતાં તેને રોકાવવા પોલીસે પોતાનું વાહન સામે રાખી રોકાવવાની કોશિષ કરી હતી પરંતુ બુટલેગરોએ પોલીસના ખાનગી વાહનમાં પોતાનું વાહન ભટકાવી અકસ્માત કર્યો હતો અને બાદમાં ક્રેટા કારમાંથી બે શખ્સ નાસવા લાગ્યા હતા જેનો પીછો પોલીસે કર્યો હતો પરંતુ આ બંને શખ્સ અંધારામાં ઓઝલ થઇ ગયા હતા. આ ગાડીમાંથી અન્ય બે નંબર પ્લેટ મળી આવી હતી જે નંબર જી.જે. 12 ડી.એ. 2358 તથા જી.જે. 36 એફ. 2046 પોલીસે જપ્ત કરી હતી. આ શખ્સોએ પોલીસથી બચવા ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું બહાર આવ્યું હતું. આ ગાડીમાંથી રોયલ ચેલેન્જ 750 મિ.લી.ની 210 બોટલ, સિગ્રામ રોયલ સ્ટેગની 750 મિ.લી.ની 60 બોટલ, ઓલ સિઝનની 750 મિ.લી.ની 175, મેકડોવેલ્સ નંબર-1ની 750 મિ.લી.ની 348 બોટલ એમ કુલ રૂા. 9,74,800નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. કારમાંથી અન્ય કોઇ કાગળિયા કે ડ્રાઇવિંગ લાયસન્સ કે અન્ય કાંઇ પોલીસના હાથમાં આવ્યું ન હતું. મોટાભાગે અન્ય રાજ્યમાંથી દારૂ આવે ત્યારે પોલીસ તેને પકડી પાડતી હોય છે ત્યારે પડાણાથી સામખિયાળી બાજુ દારૂ જવાના બનાવે અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલો આ દારૂ કોણ લઇ જઇ રહ્યું હતું, કોણે મોકલાવ્યું હતું અને ક્યાં જઇ રહ્યું હતું તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી કાર્યવાહી ગાંધીધામના જૂની સુંદરપુરી મહેશ્વરી સમાજવાડીની બાજુમાં રહેતા જીગર રાયશી માતંગના મકાનમાં કરવામાં આવી હતી. આ મકાનમાં આ શખ્સ ગેરહાજર હતો એટલે પોલીસના હાથમાં આવ્યો ન હતો. તેના મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડના ક્વાર્ટરિયા તથા 80 નંગ બિયરના ટીન એમ કુલ રૂા. 22,520નો દારૂ જપ્ત કરાયો હતો.

Panchang

dd