ગાંધીધામ, તા. 12 : રાપર તાલુકાના આડેસરમાં કરુણાંતિકા
સર્જાઇ હતી. અહીંના મકવાણાવાસમાં પાંચ વર્ષિય માસૂમ બાળકી આરવી મકવાણા (આહીર) પાણીના
ટાંકામાં ડૂબવા લાગતા તે જોઇને તેની માતા રૈયાબેન રવાભાઇ મકવાણા (આહીર) (ઉ.વ.28)એ પોતાની ત્રણ માસની દિકરી
આયુશી સાથે ટાંકામાં કૂદ્યા હતા. એક દિકરીને
બચાવવા જતાં આ બંને દિકરી અને માતાનું અકાળે મોત થયું હતું. એકીસાથે બે દિકરી
અને માતાના મોતને પગલે ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. આડેસરના મકવાણાવાસમાં
રહેનાર રવા મકવાણા નામનો યુવાન પાસેની એક ખાનગી કંપનીમાં કામ કરે છે. ગત તા. 11/11ની રાત્રે તે રાતપાળીમાં કામે
ગયો હતો. જ્યારે ઘરે પાંચ વર્ષની દિકરી આરવી, આયુશી તથા ત્રણ વર્ષની અન્ય એક દિકરી અને તેના પત્ની હાજર હતા. આ ત્રણ દિકરીઓ
પૈકી ત્રણ વર્ષની બાળકી બાજુમાં રહેતા પોતાના દાદા-દાદીને ત્યાં સૂવા માટે ગઇ હતી.
પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષિય આરવી ગઇકાલે
વહેલી પરોઢે જાગી ગઇ હતી અને કોઇ કારણોસર ઘરમાં આવેલા પાણી ભરેલા ટાંકા પાસે ગઇ હતી,
જ્યાં કોઇ કારણે તે આ પાણી ભરેલા ટાંકામાં પડી જતાં તેનો અવાજ સાંભળીને
તેની માતા રૈયાબેન ત્યાં દોડી આવ્યા હતા. પોતાની ત્રણ માસની દિકરી આયુશીને તેડીને તે
ત્યાં આવેલા આ મહિલાએ માસૂમ બાળકી સાથે પોતાની અન્ય દિકરીને બચાવવા ટાંકામાં ઝંપલાવ્યું હતું. તેવું પ્રાથમિક
તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. મોટી દિકરીને
બચાવવા ગયેલ આ મહિલા અને તેમની બે દિકરીઓ પાણીમાં ડૂબી જતાં ત્રણેયએ એકી સાથે
પોતાનો જીવ ખોયો હતો. બે બાળકી સહિત માતાના મોતને પગલે આડેસર સહિત સમગ્ર જિલ્લામાં
ભારે અરેરાટી પ્રસરી હતી. આ બનાવ અકસ્માતે બન્યો છે કે, અન્ય
કાંઇ છે તે સહિતની આગળની વધુ તપાસ હાથ ધરાઇ હોવાનું પી.આઇ. જે. એમ. વાળાએ જણાવ્યું હતું.