• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વરસામેડીમાં સળિયાચોરીનો પર્દાફાશ : 4.46 લાખનો માલ જપ્ત

ગાંધીધામ, તા. 11 : અંજાર તાલુકાના વરસામેડી નજીક એક વાડામાંથી રૂા. 4,46,490ના ચોરાઉ મનાતા લોખંડના સળિયા સાથે ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડયા હતા. વરસામેડી સીમમાં વેલસ્પન કંપની તરફ વળાંક નજીક કેનાલ પાસે આવેલા એક વાડામાં ટ્રેઇલરચાલકોને બોલાવી તેમની સાથે સાઠગાંઠ કરી લાલચ આપી લોખંડના સળિયા ઉતારી લઇ બારોબારી વેચી દેવાતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે  આજે વહેલી સવારે કાર્યવાહી હાથ ધરી હતી. આ વાડામાંથી સંચાલક અંજારના મેહુલ રવિદાન ગઢવી (મૂળ અમરેલી) નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. અહીં ઊભેલા ટ્રેઇલર નં. જીજે-12-બીવાય-5836ના ચાલક ઓમદારામ રેખારામ ચૌધરી (જાટ) તથા ટ્રેઇલર નં. જીજે-39-ટી-9956ના ચાલક અજયકુમાર મહેન્દ્ર શર્મા નામના શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને શખ્સની પૂછપરછ કરાતાં બંને આ મેહુલ ગઢવીને સળિયા વેચવા આવ્યા હતા. આ વાડામાંથી તથા વાહનોમાંથી ઇ.ટી. ટી.એમ.ટી. કંપનીના માર્કાવાળા 8 એમ.એમ.ના 150 નંગ, 12 એમ.એમ.ના 70 સળિયા, 16 એમ.એમ.ના 44 સળિયા, 20 એમ.એમ.ના 132 તથા 25 એમ.એમ.ના 43 નંગ એમ કુલ રૂા. 4,46,490ના સળિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા માલ પૈકી અમુક બે-ત્રણ દિવસ પહેલાં વાડાના સંચાલકોએ ડ્રાઇવરો પાસેથી મેળવી લીધા હતા. મેહુલ અને અંજારનો હરિ ગઢવી આ વાડાના સંચાલક છે. આ બંને મળીને આવી રીતે સળિયા મેળવી બારોબાર વેચી મારતા હતા. ચારેય સામે ગુનો નોંધી ત્રણ શખ્સની અટક કરાઇ હતી, જ્યારે હરિ ગઢવીને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરવામાં આવી છે. 

Panchang

dd