• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ભુજની હોટેલમાંથી કાશ્મીરી પરિવાર મળ્યો

ભુજ, તા. 11 : ગઇકાલે દિલ્હીમાં કાર વિસ્ફોટની ગોઝારી ઘટના બાદ દેશની તમામ એજન્સીઓ રેડએલર્ટ મોડ પર આવી ગઇ છે. સરહદી કચ્છ જિલ્લામાં પણ ઠેર-ઠેર નાકાબંધી, વાહન ચેકિંગની સાથોસાથ હોટેલોના રજિસ્ટરની પણ છાનબિન થઇ રહી છે. આ વચ્ચે ગઇકાલે રાતે ભુજની એક હોટેલમાંથી જમ્મુ-કાશ્મીરનો પરિવાર મળી આવતાં પોલીસે ગંભીરતા સાથે છાનબિન આદરી છે. જો કે, પ્રાથમિક તપાસમાં આ પરિવાર સામાન્ય હોવાનું અને કાંઇ વાંધાજનક ન હોવાનું ચિત્ર બહાર આવ્યું છે, પરંતુ વર્તમાન સંજોગોને લઇને પોલીસ કોઇ ચૂક રહેવા દેવા માગતી ન હોઇ પરિવારની અન્ય વિગતો પણ ચકાસી રહી છે. આ સમગ્ર મામલે પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના પી.આઇ. કે.એમ. ગઢવીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હોટલ ચકાસણી દરમ્યાન ભુજની એક હોટેલમાંથી જમ્મુ એન્ડ કાશ્મીરના કુપવાડાનો એક પરિવાર રોકાયાનું સામે આવતાં તેમની પૂછતાછ આદરી છે. પતિ-પત્ની અને બે બાળક તથા ભાઇ સાથેના પાંચ સભ્યના પરિવારની પ્રાથમિક તપાસમાં કંઇ વાંધાજનક મળ્યું નથી. તેઓના મોબાઇલ એફએસએલમાં મોકલાયા છે અને કુપવાડા પોલીસને આ પરિવારના નામ સહિતની વિગતો આપી છે. ત્યાંથી હજુ કોઇ પ્રત્યુત્તર મળ્યો નથી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ગંભીરતાપૂર્વક છાનબીન થઇ રહ્યાનું તેમણે જણાવ્યું હતું. શ્રી ગઢવીએ ઉમેર્યું હતું કે, પૂછતાછમાં પરિવાર પાસેથી મળેલી વિગતો મુજબ કાશ્મીરમાં બરફ પડયા બાદ આ પરિવાર ચંદો માંગવા અહીં આવે છે અને આ રીતે ચંદો મળેથી તેમને અલ્લાહની રહેમત થતી હોવાના ભાવ સાથે દર વર્ષે અહીં આવે છે. આ વચ્ચે પોલીસ દ્વારા સર્વગ્રાહી તપાસ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. ગઇકાલે ભુજની હોટલોના રજિસ્ટરની ચકાસણી દરમ્યાન એક હોટલના સંચાલક દ્વારા રજિસ્ટર યોગ્ય રીતે તૈયાર ન થવા અંગે પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કાર વિસ્ફોટની ગોઝારી ઘટના અને અમદાવાદથી ઝડપાયેલા આતંકવાદીઓના બનાવને લઇ પોલીસ અને એજન્સીઓ સતર્ક મોડમાં છે. નાગરિકોને આસપાસ કોઇ શંકાસ્પદ ગતિવિધિ કે કોઇ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો છે. 

Panchang

dd