ગાંધીધામ, તા. 11 : શહેરમાં પોલીસે દારૂ અંગેની
બે કાર્યવાહી કરી કુલ રૂા. 2,47,920નો
શરાબ ઝડપી પાડયો હતો. જો કે, પોલીસની
આ કાર્યવાહી દરમ્યાન બે આરોપી સાબૂના ગોટાની જેમ સરકી ગયા હતા. ભચાઉનો ધર્મેન્દ્રસિંહ
ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા નામનો શખ્સ કાસેઝથી પરત ભચાઉ બાજુ જઇ રહ્યો છે અને
તેની ગાડીમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે મોડીરાત્રે પોલીસે નિમાયા હોટેલ સામે
કટ પાસે ટ્રાફિકજામ કરાવ્યો હતો જેમાં નંબરપ્લેટ વગરની ઇનોવા કાર ફસાઇ જતાં અને પોલીસને
જોઇ જતાં ધર્મેન્દ્ર નામનો શખ્સ ધોરીમાર્ગ ઉપર થઇ નાસી ગયો હતો. પોલીસ તેની પાછળ દોડી
હતી પરંતુ તેને પકડી શકી નહોતી. તેના કબજાની આ કારમાંથી કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ
બિયરના 1056 ટીન કિંમત રૂા. 2,32,320નો દારૂ જપ્ત કરવામાં આવ્યો
હતો. સાબૂના ગોટાની જેમ સરકી જનાર આ શખ્સ હાથમાં આવે બાદમાં તેણે ક્યાંથી દારૂ લીધો
અને કોને પહોંચાડવામાં આવ્યો હતો તે સહિતની વિગતો બહાર આવે તેમ છે. બીજી કાર્યવાહી
શહેરના કાર્ગો બાપા સીતારામ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક મકાનમાં કરવામાં આવી હતી. પોલીસ આવે તે પહેલાં છગન બિજલ મેરિયાને
ગંધ આવી જતાં તે દરવાજા અડધા ખુલ્લા મૂકી સરકી ગયો હતો. બાદમાં પોલીસે તેના કબજાના
મકાનમાંથી રૂા. 15,600ની 12 બોટલ દારૂ જપ્ત કર્યો હતો.