ભુજ, તા. 4 : મુંદરાના ધ્રબમાં હિન્દ સી.એફ.એસ.ની
પાછળ રોડ ઉપર બાઇકચાલક 29 વર્ષીય યુવાન
દિનેશ રામચંદ્ર યાદવને ટ્રેઇલરે અડફેટે લઇ તેના પર ટાયર ચડાવી દેતાં તેનું કમકમાટીભર્યું
મોત નીપજ્યું હતું. જ્યારે ભુજના જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીમાં કામ કરતો પરપ્રાંતીય
31 વર્ષીય યુવાન નટવરભાઇ રતનભાઇ
ડામોર પડી જતાં મોતને ભેટ્યો હતો. બે દિવસ પૂર્વે સર્જાયેલા આ કરુણ અકસ્માત અંગે આજે
મુંદરા પોલીસ મથકે નાગપુર (મહારાષ્ટ્ર)ના મૃતકના ભાઇ મિથિલેશે નોંધાવેલી ફરિયાદ મુજબ
તેનો નાનો ભાઇ દિનેશ છેલ્લા અગિયારેક મહિનાથી મુંદરામાં જૈન ટ્રેઇલર ગાડીમાં ડ્રાઇવર
તરીકે કામ કરે છે. ગત તા. 2-11ના બપોરે
દિનેશ ટ્રાન્સ્પોર્ટની મોટર સાઇકલ નં. જી.જે.-12 સી.ઇ.-2603વાળી લઇને
રાશાપીર સર્કલ પાસેની ઓફિસેથી નીકળ્યો હતો અને હિન્દ સી.એફ.એસ.ની પાછળના માર્ગે સામેથી
આવતાં ટ્રેઇલર નં. જી.જે.-12-બી.ડબલ્યુ-
7504વાળાંએ અડફેટે લઇ ટ્રેઇલરના
ટાયર દિનેશ પર ફરી વળતાં તેનું મૃત્યુ નીપજ્યું
હોવાની વિગતો દિનેશ સાથે કામ કરતા મનોજકુમાર
તથા બેચને કરી હોવાનું જાહેર કરતાં ટ્રેઇલરચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. આ ઉપરાંત ભુજના હંગામી આવાસ પાસે જી.આઇ.ડી.સી.
વિસ્તારમાં આવેલી આશાપુરા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો મૂળ પંચમહાલ જિલ્લાનો નટવરભાઇ
ગત તા. 28-10ના બપોરે કામ કરતા સમયે કોઇ
અગમ્ય કારણે નીચે પડીને બેભાન થઇ જતાં તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં
સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ
કરી કાર્યવાહી આદરી હતી.