• બુધવાર, 12 નવેમ્બર, 2025

અંજારમાં બુટલેગરો બેફામ, પોલીસ લાચાર

અંજાર, તા. 13 : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કેવી હાલત છે તેનું જીવતું ઉદાહરણ આ શહેરમાં જોવા મળી રહ્યું છે. અહીં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની પોલ ખૂલી ગઇ છે. બેફામ બુટલેગરો સામે પોલીસ તંત્ર જાણે લાચાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કહેવાતી મોટી હપ્તાખોરીનાં કારણે બુટલેગરોને જાણે ખુલ્લી છૂટ મળી ગઇ છે તેવું ચિત્ર ઊપસ્યું છે. ખુલ્લેઆમ વેચાતા દારૂનાં કારણે દારૂબંધીના લીરેલીરા ઊડી રહ્યા છે, જેના કારણે જનતામાં પોલીસની નિક્રિયતા પ્રત્યે શંકાની લાગણી જન્મી છે. શહેરની નગરપાલિકા આસપાસ, ગંગા નાકા, વિજય નગર, જીઆઇડીસી, દબડા ચાર રસ્તા, ખત્રી ચોક તેમજ તાલુકાના વરસામેડી, ખેડોઇ, વીડી વગેરે વિસ્તારોમાં દેશી-અંગ્રેજીનું વેચાણ રોકટોક વિના ચાલી રહ્યું છે. લોકજીભે એવા આક્ષેપ છે કે, તંત્રની રહેમનજર વિના આ બદી ચાલે તે શક્ય જ નથી. અમુક સ્થળોએ મિનરલ વોટરની આડમાં પણ શરાબનો વેપલો થાય છે. અહીં અગાઉ અનેક વખત શરાબ ઝડપાયો છે. હાલમાં 16 સપ્ટેમ્બરના જીઆઇડીસીના બંધ ગોદામમાંથી 81 લાખનો દારૂ ઝડપાયો હતો પરંતુ આ પ્રકરણમાં એકેય આરોપી ન પકડાતાં અનેક તર્ક-વિતર્ક અને શંકા-કુશંકા વહેતા થયા છે. જાણકારોના મતે ઊંચી હપ્તાખોરીનાં કારણે જ મોટા ગજાના બુટલેગરોને છાવરવામાં આવે છે જેના કારણે આવાં તત્ત્વો બેફામ બન્યાં છે અને જાહેર માર્ગોને જ દારૂના અડ્ડા બનાવી દેવામાં આવ્યા છે. પોલીસની કથિત રહેમનજર અને કેટલાક બુટલેગરો દ્વારા રાજકીય વગનો ઉપયોગ થતો હોવાથી તેમની સામે કોઇ નક્કર કાર્યવાહી હાથ ન ધરાતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આવામાં પોલીસે બુટલેગરોની બાતમી માનીતા હરીફ બુટલેગરો દ્વારા જ આપવામાં આવતી હોવાની શક્યતા છે. આ પ્રકારની પસંદગીયુક્ત કાર્યવાહી શંકાને દૃઢ કરે છે.

Panchang

dd