ભુજ, તા. 13 : તાલુકાના
સામત્રામાં 60 વર્ષીય પતિને જીવતો સળગાવી મોતને ઘાટ ઊતારનાર આરોપી 40 વર્ષીય
પત્ની કૈલાસબેન ધનજીભાઇ ઉર્ફે ખીમજીભાઇ કેરાઇના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
સામત્રામાં રહેતા ધનજીભાઇ ઉર્ફે ખીમજીભાઇ વિશ્રામ કેરાઇની પ્રથમ પત્નીનું ચારેક
વર્ષ પૂર્વે મૃત્યુ થતાં તેનાં બીજાં લગ્ન દોઢેક વર્ષ પૂર્વે કૈલાસબેન સાથે કર્યાં
હતાં. કૈલાસબેને ભુજમાં લીધેલા મકાનના રૂપિયા ભરવા પતિને જણાવતાં પતિએ ના પાડતાં
થયેલા ઝઘડામાં પત્ની મકાનના આંગણાના ગેરેજમાં ધનજીભાઇને લઇ જઇ ત્યાં કેરોસીન છાંટી
દીવાસળી ચાંપી જીવતો સળગાવી ગેરેજનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પુત્ર અને
અન્ય પાડોસી આવી ધનજીભાઇને સારવાર તળે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા, પરંતુ સારવાર દરમ્યાન
બીજા દિવસે ધનજીભાઇનું મૃત્યુ થયું હતું. આરોપી કૈલાસબેનની માનકૂવા પોલીસે અટક
કરીને આજે ભુજની કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર થયાનું માનકૂવાના
ઇન્ચાર્જ પી.આઇ. પી.પી. ગોહિલે જણાવ્યું હતું.